મદ્રાસ HC: ક્રિપ્ટોકરન્સી હવે ભારતીય કાયદા હેઠળ સંપત્તિ

મદ્રાસ HC: ક્રિપ્ટોકરન્સી હવે ભારતીય કાયદા હેઠળ સંપત્તિ

બ્રેકિંગ: ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ ‘સંપત્તિ’નો દરજ્જો, મદ્રાસ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને લઈને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ આનંદ વેંકટેશે પોતાના 54 પાનાંના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, ક્રિપ્ટોકરન્સી ભલે ‘લીગલ ટેન્ડર’ (કાયદેસર ચલણ) ન હોય , પરંતુ તે ભારતીય કાયદા હેઠળ ‘સંપત્તિ’ (Property) ગણાશે. કોર્ટે જણાવ્યું કે ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી , પરંતુ તે એવી સંપત્તિ છે જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે કે ટ્રસ્ટમાં મૂકી શકે છે, કારણ કે તેમાં સંપત્તિના તમામ ગુણ ઉપલબ્ધ છે.

 

શું હતી અરજદારની ફરિયાદ?

આ નિર્ણય એક ક્રિપ્ટો રોકાણકારની અરજી પર સંભળાવવામાં આવ્યો હતો. અરજદારે જાન્યુઆરી, 2024 માં વજીરએક્સ પ્લેટફોર્મ પર ₹1,98,516 નું રોકાણ કરીને 3532.30 XRP કોઈન ખરીદ્યા હતા. જુલાઈ, 2024 માં સાયબર એટેક થતાં વજીરએક્સ પ્લેટફોર્મ પર આશરે 230મિલિયન ડોલરનું નુકસાન થયું. હેકિંગ બાદ કંપનીએ તમામ યુઝર એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા, જેથી અરજદાર પોતાના XRP કોઈનમાં કોઈ વ્યવહાર કરી શક્યો નહીં.

અરજદારે વળતરની માંગ કરતા દલીલ કરી હતી કે તેના XRP કોઈન ચોરી થયેલા ટોકન (ઇથેરિયમ અને ERC-20) કરતાં સંપૂર્ણપણે અલગ છે , તેમ છતાં કંપનીએ તેને ટ્રસ્ટ કસ્ટોડિયન સ્વરૂપે સંભાળી રાખ્યા હોવા છતાં તેનો ઉપયોગ કરવા દીધો નથી.

કોર્ટે રોકાણકારની તરફેણમાં આપ્યો આદેશ

વજીરએક્સની ભારતીય ઓપરેટર કંપનીએ સિંગાપોર હાઈકોર્ટ દ્વારા મંજૂર ‘પ્રો-રાટા’ પુનર્ગઠન યોજના હેઠળ નુકસાન ફાળવવાની વાત કરી હતી. જો કે, મદ્રાસ હાઈકોર્ટે ભારતીય રોકાણકારના ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા હોવાનું જણાવી આ કેસને પોતાના અધિકાર ક્ષેત્રમાં ગણાવ્યો.

કોર્ટે અનેક કેસોનો ઉલ્લેખ કર્યો અને સ્પષ્ટ કર્યું કે બ્લોકચેન પરના આ ડિજિટલ ટોકન્સ ઓળખી શકાય તેવા, ટ્રાન્સફર કરી શકાય તેવા અને ખાનગી ચાવીઓ દ્વારા નિયંત્રિત કરી શકાય તેવા છે, જે સંપત્તિના તમામ ગુણધર્મો ધરાવે છે. કોર્ટે સ્વીકાર્યું કે અરજદારના XRP સિક્કા ચોરાયેલા ટોકન્સથી અલગ હોવા છતાં, વજીરએક્સ દ્વારા પુનઃવિતરણ યોજનાનો અમલ ખોટો અને અયોગ્ય છે.

હાઈકોર્ટે ઝન્માઈ લેબ્સ (વજીરએક્સની ઓપરેટર કંપની) અને તેના ડિરેક્ટરોને આર્બિટ્રેશન ચુકાદો ન આવે ત્યાં સુધી XRP સિક્કાઓનું પુનઃવિતરણ, વિતરણ કે પુનઃ ફાળવણી ન કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ક્રિપ્ટો રોકાણકારો માટે કાનૂની રક્ષણની દિશામાં એક મોટું પગલું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )