LPG Price Hike: ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો, જાણો નવા દર

LPG Price Hike: ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો, જાણો નવા દર

LPG ના ભાવમાં ₹60નો વધારો: મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર જોખમ, સરકારે લીધા કડક નિર્ણય

કેન્દ્ર સરકારે 7 માર્ચ 2026થી ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીમાં હવે ઘરેલુ LPG સિલિન્ડર ₹853ના બદલે ₹913માં મળશે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો થતા નવો ભાવ ₹1883 થયો છે.

આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ છે. આ યુદ્ધની સીધી અસર ભારતના ઉર્જા ક્ષેત્ર પર પડી છે. ભારત પોતાની જરૂરિયાતનો 54% LNG ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગે મંગાવે છે, જે અત્યારે યુદ્ધ ક્ષેત્રમાં હોવાથી તેલ ટેન્કરો માટે અસુરક્ષિત બન્યો છે. વધુમાં, કતારમાં ઇરાનના ડ્રોન હુમલા બાદ ત્યાંના LNG પ્લાન્ટ્સ બંધ થઈ ગયા છે, જે ભારતની આયાતનો 40% હિસ્સો પૂરો પાડે છે.

સંભવિત અછતને રોકવા માટે ભારત સરકારે ‘એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955’ હેઠળ મળેલ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કર્યો છે. દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પ્રોપેન અને બ્યુટેન જેવા ગેસનો ઉપયોગ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ બનાવવાને બદલે માત્ર LPG (રાંધણ ગેસ) ઉત્પાદન માટે જ કરે. આ ગેસનો પુરવઠો ફરજિયાતપણે IOC, BPCL અને HPCL જેવી સરકારી કંપનીઓને આપવો પડશે. આ નિર્ણયની પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર અસર પડશે, કારણ કે તેમના નફાકારક પ્રોડક્ટ્સનું ઉત્પાદન ઘટશે.

બીજી તરફ, CNG કંપનીઓએ પણ આયાત મોંઘી થવાની ચિંતા વ્યક્ત કરી છે. જો ‘સ્પોટ માર્કેટ’માંથી મોંઘો ગેસ ખરીદવો પડશે તો CNGના ભાવ પણ વધી શકે છે. જોકે, ભારત સરકાર રશિયા પાસેથી હવે 20% ક્રૂડ ઓઇલ મંગાવી રહી હોવાથી હોર્મુઝ રૂટ પરની નિર્ભરતા થોડી ઓછી થઈ છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે દેશમાં હાલ પેટ્રોલિયમ અને LPGનો પૂરતો સ્ટોક છે અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )