
દિવાળી પહેલાંના છેલ્લા રવિવારે રાજકોટના બજારોમાં ખરીદીનો મહાધસારો: લાખાજીરાજ રોડ પર માનવ મહેરામણ, વેપારીઓ ખુશ
દિવાળીના છેલ્લા રવિવારે રાજકોટના બજારોમાં માનવ મહેરામણ: લાખાજીરાજ રોડ પર હજારો લોકો ઉમટ્યા, ખરીદીથી વેપારીઓ ખુશ
રાજકોટ: દિવાળીના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં ઉજવણીનો માહોલ જામી ચૂક્યો છે. દિવાળીની સફાઈથી લઈને ઘરને સજાવવાની વસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે, એટલે કે દિવાળી પહેલાના છેલ્લા રવિવારના દિવસે, રાજકોટના તમામ મુખ્ય બજારોમાં ખરીદીનો જબરજસ્ત ધસારો જોવા મળ્યો હતો.
શહેરના હાર્દ સમા અને સૌથી જૂના બજારો જેવા કે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગંદાવાડી અને પેલેસ રોડ પર ખરીદી માટે રીતસરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે લાખાજીરાજ રોડ પર હજારો લોકોની ભીડ જામી હતી, જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો હતો.
લોકોએ તહેવાર માટે કપડાં, બૂટ-ચંપલ, જ્વેલરી ઉપરાંત ઘર સુશોભનની વસ્તુઓની ધૂમ ખરીદી કરી હતી. જેમાં ઘરના દરવાજા માટે તોરણ, ઉંબરા માટે લાભ-શુભના સ્ટીકર, મહેમાનો માટે મુખવાસ, બારી-બારણા માટે પડદાં, અને ઘરને રોશનીથી સજાવવા માટે લાઈટો, સિરીઝ અને કંદીલ જેવી અઢળક વસ્તુઓ ખરીદાઈ હતી.
સવારથી લઈને સાંજ સુધી આ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સારી ખરીદી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને પરિણામે બજારો મોડે સુધી ખુલ્લી રહી હતી. હવે ગુરુવારથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે, જેથી આગામી દિવસોમાં પણ બજારોમાં આવી જ ભીડ જોવા મળશે.
