
માવઠાનો માર, ગુજરાતમાં મગફળી ટેકાના ભાવે ખરીદી મોકૂફ-Gujarat
માવઠાનો માર અને સરકારનો મોંફેરવ: ગુજરાતના ખેડૂતો ચોધાર આંસુએ
ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે લગભગ 10 લાખ હેક્ટર જમીનમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકોને નુકસાન થવાથી ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે.
નુકશાનની પરિસ્થિતિને જોતાં ખેડૂતોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. એક તરફ કુદરત રૂઠી છે, ત્યાં હવે સરકારે પણ જાણે મોં ફેરવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્ય કૃષિ વિભાગે મોટી જાહેરાત કરીને 1લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની વાત કરી હતી. ખેડૂતોએ આશા સાથે પોતાનો મગફળીનો જથ્થો તૈયાર કર્યો હતો અને વાહન વ્યવસ્થા ગોઠવી વેચાણ માટેની તૈયારીઓ કરી હતી. ઘણાં ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર, દવા અને ખેત મજૂરીના બાકી નાણાં ચૂકવવા માટે મજબૂરીવશ ઓછા ભાવે પણ પોતાનો માલ વેચી દે છે.
પરંતુ, છેલ્લી ઘડીએ કૃષિ વિભાગે વરસાદની સ્થિતિ અને પાકમાં ભેજનું પ્રમાણ વધવાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં કરવા નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સતત કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક પલળી ગયો છે. ભેજયુક્ત માહોલમાં તૈયાર મગફળીને ક્યાં સાચવવી, તે મોટો સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે, જેનાથી તેમની મુસીબત ઓછી થવાને બદલે વધી છે.
દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
