
ખાનપુર: દારૂડિયા શિક્ષકે બ્રેઝા કારથી બાઈક ઉડાવ્યું
ખાનપુર હિટ એન્ડ રન: દારૂના નશામાં શિક્ષકે બાઈક ચાલકને કચડ્યો
‘હિટ એન્ડ રન’ની વધતી જતી ઘટનાઓ વચ્ચે ખાનપુરમાં બનેલા એક બનાવે શિક્ષણ જગતને શર્મસાર કરી મૂક્યું છે. ખાનપુર વિસ્તારની લીમડિયા ચોકડી પાસે આજે દારૂના નશામાં ધૂત એક શિક્ષકે પોતાની બ્રેઝા કાર બેફામ હંકારીને ત્યાંથી પસાર થતા એક નિર્દોષ બાઈક ચાલકને અડફેટે લીધો હતો.
ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક શિક્ષક એટલો નશામાં હતો કે તેણે બ્રેક મારવાને બદલે બાઈક ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે બાઈક ચાલકનો બચાવ થયો છે, પરંતુ તેને ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને નશામાં લથડિયા ખાતા શિક્ષક પર ફિટકાર વરસાવ્યો હતો.
નોંધનીય છે કે, ચાલુ મહિનામાં જ શિક્ષક દ્વારા અકસ્માત સર્જાયાની આ બીજી ઘટના છે. થોડા સમય પહેલાં પણ એક શિક્ષક દારૂ પીને ગાડી ચલાવતા પકડાયો હતો. એક તરફ રાજ્યમાં દારૂબંધી છે, તો બીજી તરફ યુવા પેઢીને સંસ્કાર આપનારા શિક્ષકો જ દારૂના રવાડે ચડીને રસ્તા પર યમરાજ બનીને ફરી રહ્યા છે.
આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર અકસ્માતનો ગુનો નહીં, પરંતુ જીવલેણ હુમલા અને દારૂબંધી ભંગ હેઠળ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા પણ આવા ‘દાગી’ શિક્ષકો સામે તાત્કાલિક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
