રાજકોટ રેસકોર્સમાં હનુમાન ચાલીસા યુવા કથા પૂર્વે નીકળી રેલી

રાજકોટ રેસકોર્સમાં હનુમાન ચાલીસા યુવા કથા પૂર્વે નીકળી રેલી

રાજકોટ: હનુમાન ચાલીસા યુવા કથા નિમિત્તે ભવ્ય બાઈક રેલી

રાજકોટના રસ્તાઓ પર રવિવારે ભક્તિ અને ઉત્સાહનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. આગામી ૨૩ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન રેસકોર્સના વિશાળ મેદાનમાં આયોજિત ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ ના પ્રચાર-પ્રસાર માટે શહેરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી શહેરના ખૂણે-ખૂણે રહેતા ભક્તોને આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થવા હનુમાનજીના રથ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

રવિવારની રજાના દિવસે શહેરના છ પ્રમુખ વિસ્તારો – ૮૦ ફૂટ રોડ પરની સર્વોદય સ્કૂલ, સૈયાજી હોટલ રોડ, સેટેલાઈટ ચોક, ન્યુ એરા સ્કૂલ, હુડકો સ્થિત શણગાર હોલ અને રેલનગરની કર્ણાવતી સ્કૂલ ખાતેથી કેસરીયા સાફા અને ધ્વજ સાથે હજારો યુવાનો બાઈક પર સવાર થઈ ઉમટી પડ્યા હતા. હનુમાનજીની મૂર્તિ સાથેના સુશોભિત રથ આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ‘જય શ્રી રામ’ અને ‘જય બજરંગબલી’ ના જયઘોષ સાથે નીકળેલી આ રેલીએ રાજકોટના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

રેલી જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં વિવિધ વ્યાપારી સંગઠનો, સોસાયટીના રહીશો અને સેવાભાવી ગ્રુપો દ્વારા રેલી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને હનુમાનજીના રથનું પૂજન-અર્ચન કરાયું હતું. ૨૩મી ડિસેમ્બરથી શરૂ થનારી આ યુવા કથાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને હનુમાનજીના જીવનના ગુણો, સાહસ અને સમર્પણ ભાવથી પરિચિત કરાવવાનો છે.

૧૦ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટશે તેવી શક્યતાને જોતા રેસકોર્સમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આયોજક સમિતિએ જણાવ્યું હતું કે, બાઈક રેલીના ભવ્ય પ્રતિસાદ બાદ હવે કથાના પ્રારંભથી લઈને પૂર્ણાવૃતિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાશે. રાજકોટની ધર્મપ્રેમી જનતામાં આ કથાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )