
જલારામ બાપા જન્મજયંતિ 226: રાજકોટ શોભાયાત્રા કાર્યાલય પ્રારંભ
પૂ. જલારામ બાપાની 226મી જન્મજયંતિની તૈયારીઓ પૂરજોશમાં: શોભાયાત્રા સમિતિના કાર્યાલયનો પ્રારંભ આજે
રાજકોટ: આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા પૂ. શ્રી જલારામ બાપાની આગામી 226મી જન્મજયંતિ (કારતક સુદ સાતમ, તા. 29-11-2025 બુધવાર) ના અનુસંધાને રાજકોટમાં તહેવારની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા માટેની પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે, જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનો પ્રારંભ આજરોજ, ગુરુવારે તા. 16-10-2025 ના રાત્રે 9 કલાકે કરવામાં આવશે. આ કાર્યાલયનો પ્રારંભ કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી, રાજકોટ ખાતે યોજાશે.
આ શુભ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજન, રઘુવંશીની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને જલારામ જન્મોત્સવ સમિતિના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહેશે. કાર્યાલયના પ્રારંભ બાદ શોભાયાત્રાના રૂટ, વ્યવસ્થા અને અન્ય આનુષંગિક કાર્યક્રમોને અંતિમ ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે.
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા તમામ ધર્મપ્રેમી જલારામ ભક્તોને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે ગુરુવારે રાત્રે 9 કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટ: હાર્દિક ચંદારાણા
