લોકશાહી ના મુખવટા હેઠળ શાસકોની વધતી તાનાશાહી અને ભ્રષ્ટ વહીવટ

લોકશાહી ના મુખવટા હેઠળ શાસકોની વધતી તાનાશાહી અને ભ્રષ્ટ વહીવટ

લોકશાહી કે Dictatorship? પ્રજા પર કાયદાનો કોરડો અને નેતાઓને જલસા!

વડોદરા: ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે ‘લોકશાહી’ માત્ર ચૂંટણીના દિવસો પૂરતી સીમિત રહી ગઈ છે. સામાન્ય પ્રજા અને તાનાશાહ સરકાર વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે પ્રજાની પાયાની સુવિધાઓ હવે શાસકો માટે માત્ર ગૌણ વિષય બની ગઈ છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાના હક માટે અવાજ ઉઠાવે ત્યારે તે ‘ગુનો’ બની જાય છે, પરંતુ સત્તાના નશામાં ચૂર નેતાઓ ગમે તેટલી મનમાની કરે તો પણ તેમને કાયદો સ્પર્શતો નથી. આ કડવું સત્ય છે કે કાયદાના પાઠ માત્ર સામાન્ય જનતાને ભણાવવા માટે જ લખાયા છે.

ચૂંટણી નજીક આવે એટલે નેતાઓને અચાનક મતદારોની યાદ આવે છે. ગલીએ ગલીએ હાથ જોડીને ફરતા આ જ નેતાઓ ચૂંટણી જીત્યા બાદ એસી ઓફિસોમાં કેદ થઈ જાય છે. પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરતા મધ્યમ વર્ગના નાગરિકોના પૈસાનો દુરુપયોગ કેવી રીતે કરવો, તે આજના ‘બાબુઓ’ અને રાજનેતાઓ પાસેથી શીખવા જેવું છે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ પર ખાડા છે, નળમાં ગંદુ પાણી આવે છે અને ટ્રાફિકની સમસ્યાથી પ્રજા ગૂંગળાઈ રહી છે, છતાં શાસકોને માત્ર પોતાની વોટ બેંકની જ ચિંતા છે.

શહેરની સમસ્યાઓ માટે વિપક્ષ અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર આવેદનપત્રો આપવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ આવેદનપત્રો પર ક્યારેય કોઈ નક્કર કાર્યવાહી થાય છે? કે પછી તે માત્ર રેકોર્ડ રૂમની ફાઈલોમાં ધૂળ ખાવા માટે જ હોય છે? વહીવટી તંત્રની નિષ્ક્રિયતા એવી છે કે લોકોની રજૂઆતો રદી કાગળ સમાન બની ગઈ છે. જ્યારે નેતાઓની સભાઓ માટે રાતોરાત રસ્તાઓ ચકાચક બની જતા હોય, ત્યારે જનતા માટે આ કામો કેમ મહિનાઓ સુધી લટકેલા રહે છે?

આજે સ્થિતિ એવી છે કે શાસકો પોતાને જનતાના સેવક નહીં પણ માલિક સમજી બેઠા છે. સામાન્ય માણસ જો ભૂલથી પણ કાયદાની મર્યાદા ચૂકશે તો તંત્ર તરત જ સક્રિય થઈ દંડ વસૂલશે, પણ કોર્પોરેશન કે સરકારની બેદરકારીથી જો કોઈ નાગરિકનો જીવ જાય તો જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી. આ તે કેવી લોકશાહી જ્યાં ટેક્સ ભરનાર મજૂર લાઈનમાં ઊભો રહે અને ટેક્સ પર જલસા કરનાર નેતા લાલ લાઈટની ગાડીમાં ફરે? હવે સમય પાકી ગયો છે કે જનતા જાગૃત બને, કારણ કે આ તાનાશાહીનો અંત લાવવો હવે અનિવાર્ય છે. જો આવેદનપત્રોથી કામ ન થતું હોય, તો જનતાએ આવનારી ચૂંટણીમાં પોતાના મતાધિકારથી આ શાસકોને ચોક્કસ પાઠ ભણાવવો જ પડશે.

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )