સુરતના ઉધનામાં ૪૮ કલાકમાં જ નવા રોડના ડામર ઉખડ્યા

સુરતના ઉધનામાં ૪૮ કલાકમાં જ નવા રોડના ડામર ઉખડ્યા

સુરત: ઉધનામાં નવો રોડ 48 કલાકમાં બિસ્માર, તંત્ર સામે સવાલો

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઉધના વિસ્તારમાં મામલતદાર કચેરીની બહાર અને સાંસદ મુકેશ દલાલના કાર્યાલય નજીકના રસ્તા પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. બે દિવસ પહેલા જ જે રસ્તાનું કામ ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યું હતું, તે રસ્તો માત્ર ૪૮ કલાકમાં જ ફરીથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.

આ વિસ્તારમાં લાંબા સમયથી મોટા ખાડાઓ પડ્યા હતા, જેના કારણે વાહનચાલકો અને સરકારી કચેરીએ આવતા અરજદારો પરેશાન હતા. લોકોના રોષને શાંત કરવા તંત્રએ ઉતાવળે ડામર કામ કરાવ્યું હતું. જોકે, રોડ બન્યાના ગણતરીના કલાકોમાં જ રસ્તા પરથી ડામરના પોપડા ઉખડવા લાગ્યા હતા. સ્થળ પર જઈને જોતા માલૂમ પડ્યું કે રોડ પર વપરાયેલું મટિરિયલ અત્યંત હલકી કક્ષાનું છે, જેના કારણે ડામરનો થર હાથથી કાગળની જેમ ઉખડી રહ્યો છે.

સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત વગર આવું નબળું કામ શક્ય નથી. માત્ર બજેટ વાપરવા અને દેખાડો કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય તેમ લાગે છે. જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસાનો આ પ્રકારે વેડફાટ થતા સ્માર્ટ સિટીના વહીવટ સામે સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ પાલિકાના ક્વોલિટી કંટ્રોલ વિભાગની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. શું આ કામગીરી વખતે કોઈ એન્જિનિયર હાજર હતા? મટિરિયલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં? આવા અનેક સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. નાગરિકો હવે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )