અમદાવાદમાં સરકારી નોકરીના નામે ₹1.7 કરોડની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

અમદાવાદમાં સરકારી નોકરીના નામે ₹1.7 કરોડની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ₹1.7 કરોડની છેતરપિંડી: શિક્ષક અને નકલી અધિકારી સહિત ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરમાં સરકારી નોકરીની શોધમાં રહેલા નોકરીવાંચ્છુકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર એક હાઈ-પ્રોફાઇલ છેતરપિંડી ટોળકીનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કિસ્સામાં સાજીદઅલી ખોખર, સંતોષ પ્રસાદ અને મહેશ બારોટ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં પાંચ જેટલા ભોગ બનનાર પાસેથી કુલ ₹1.7 કરોડની માતબર રકમ પડાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકી વિશ્વાસ કેળવવા માટે ચોક્કસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતી હતી. મુખ્ય આરોપી સાજીદઅલી ખોખર પોતે સરકારી શિક્ષક હોવાનું જણાવી ભોગ બનનારનો વિશ્વાસ જીતતો હતો. જ્યારે બીજો આરોપી સંતોષ પ્રસાદ પોતે ક્લાસ-1 અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને અરજદારોને મળતો. મહેશ બારોટ સંતોષના ડ્રાઇવર તરીકે ભૂમિકા ભજવી સંપર્ક સાધતો.

આરોપીઓ અરજદારોને સચિવાલય સુધી લઈ જઈ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરાવી નોકરી મળવાની ખાતરી આપતા હતા. આ ઉપરાંત, તેઓ ખોટા નિમણૂક પત્રો અને બનાવટી દસ્તાવેજો પણ આપતા હતા, જેના આધારે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી.

હાલમાં રામોલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે એવી પણ અપીલ કરી છે કે જે અન્ય ભોગ બનનાર આ ટોળકીનો શિકાર બન્યા હોય, તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )