
મહીસાગર: દારૂ પીને વાહન ચલાવ્યું તો લાયસન્સ થશે રદ
મહીસાગર: ડ્રંક એન્ડ ડ્રાઈવમાં લાયસન્સ રદ અને કાયમી બ્લેકલિસ્ટ
મહીસાગર જિલ્લા રોડ સેફ્ટી કમિટીએ માર્ગ સલામતીને લઈને હવે આકરું વલણ અપનાવ્યું છે. ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂના નશામાં વાહન ચલાવવાના ગંભીર ગુનામાં પકડાયેલા એક વાહનચાલક સામે કડક પગલાં લેવાયા છે. આ ચાલકનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, લાયસન્સ રદ કરવાની સાથે આ વ્યક્તિને ભવિષ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસોમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખ્યા વિના ફરજિયાત લાયસન્સ રદ કરવાની જ કાર્યવાહી થશે. આંકડાકીય માહિતી જોઈએ તો, માત્ર ઓક્ટોબર મહિનામાં જ ટ્રાફિકના વિવિધ ગંભીર નિયમભંગ બદલ 18 ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય જિલ્લા કે ઓથોરિટીના 7 લાયસન્સ ધારકો સામે પણ સસ્પેન્શન કે રદ કરવા માટે જે-તે સત્તામંડળને રિપોર્ટ મોકલી અપાયા છે.
આ કડક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના જીવ બચાવવાનો છે. જિલ્લાની મોટરિંગ પબ્લિકને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. નશામાં ડ્રાઈવિંગ કરવું જીવલેણ છે, તેથી કાયદો હવે તેનું કામ કડકાઈથી કરશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
