
રાજકોટના મહાલક્ષ્મી મંદિરે સાવરણી ચડાવી દરિદ્રતા દૂર કરો
રાજકોટનું અનોખું મહાલક્ષ્મી મંદિર: જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે દરિદ્રતા
રાજકોટ: દિવાળીના પાવન પર્વ નિમિત્તે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌ કોઈ વિશેષ પૂજન કરતા હોય છે, ત્યારે રાજકોટના કેવડવાડી વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મીજીનું મંદિર એક અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં માતાજીને સાવરણી અર્પણ કરીને ભક્તો મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.
માન્યતા અનુસાર, હિન્દુ ધર્મમાં સાવરણીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં ધનતેરસ અને દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને માનેલી માનતા પૂરી કરવા બે સાવરણી ચડાવે છે. જેમાંથી એક સાવરણી મંદિરમાં રાખી બીજી સાવરણી તેઓ ઘરે લઈ જાય છે. એવું કહેવાય છે કે આ સાવરણી ઘરમાં રાખવાથી દરિદ્રતા દૂર થાય છે, નેગેટિવિટીનો નાશ થાય છે અને રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.
આ મંદિરની વિશેષતા એ છે કે અહીં બિરાજમાન મહાલક્ષ્મીજીની પ્રતિમા ઉત્તરાભિમુખ છે, જે સમુદ્ર મંથન વખતે માતાજી જે સ્વરૂપે પ્રસન્ન થયા હતા તે જ સ્થિતિ દર્શાવે છે. આ મૂર્તિનું તેજ એટલું છે કે ભક્તોને સાક્ષાત માતાજી સામે જોઈ રહ્યા હોવાનો અનુભવ થાય છે. દિવાળી ઉપરાંત દર શુક્રવારે પણ ભક્તો અહીં સાવરણી ચઢાવવા માટે આવે છે. મંદિરની શાંતિ અને દિવ્યતા ભક્તોને સુખ-શાંતિનો અહેસાસ કરાવે છે.
