વડોદરા: સમામાં વકીલ યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે હિન્દુ સંગઠનોનો હોબાળો

વડોદરા: સમામાં વકીલ યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે હિન્દુ સંગઠનોનો હોબાળો

વડોદરામાં વકીલ યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે પોલીસ મથકે ભારે હોબાળો

વડોદરા: વડોદરાના સમા વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ પ્રેમ લગ્ન નો કિસ્સો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. શહેર ભાજપ અગ્રણીની ભત્રીજી અને મુસ્લિમ યુવકના લગ્ન બાદ હિન્દુ સંગઠનો અને ભાજપ કાર્યકરો સમા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. વ્યવસાયે વકીલ એવી યુવતી છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતી, જે બાદ પરિવારે પોલીસને લેખિત જાણ કરી હતી. જોકે, પોલીસની ઢીલી નીતિથી નારાજ થઈને પરિવારે છેક રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરી હતી.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવતી અવારનવાર મુસ્લિમ વકીલ યુવકને મળતી હતી અને બંને પ્રેમમાં હતા. તેઓએ પરિવારની જાણ બહાર છ મહિના અગાઉ જ નિકાહ કરી લીધા હતા. પોલીસ પાસે યુવકની તમામ વિગતો હોવા છતાં તપાસ આગળ ન વધતા હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ પોતાની રીતે શોધખોળ શરૂ કરી હતી અને યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢી હતી. આ બાદ સમા પોલીસ મથકે હોબાળો મચતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

પોલીસે ગોપનીયતા જાળવવા માટે યુવતી અને તેના માતા-પિતાને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જઈને મિલાપ કરાવ્યો હતો. અહીં લાંબા કાઉન્સેલિંગ બાદ યુવતી માતા-પિતા સાથે પરત ફરવા તૈયાર થઈ હતી. યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે કાયદેસરના લગ્ન કર્યા છે. કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે ભલે યુવતી હાલ ઘરે પરત ફરી હોય, પરંતુ કાયદેસરના લગ્ન થયા હોવાથી હવે કોર્ટ દ્વારા છૂટાછેડા લેવાની પ્રક્રિયા કરવી પડશે. આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ રાજકીય વગ ધરાવતા પરિવારનો મામલો હોવાથી પોલીસ તંત્રએ અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી કરી હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )