
વડોદરા: પાર્કિંગમાંથી 4 ફૂટના મગરનું રોમાંચક રેસ્ક્યૂ
વડોદરા: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાંથી 4 ફૂટના મગરનું રેસ્ક્યૂ
વડોદરા. ચોમાસું પૂરું થયા છતાં શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો યથાવત્ છે.
ગઈ કાલે રાત્રે 12:25 વાગ્યે વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ ખાતે આવેલી પંચામૃત રેસિડેન્સીમાં 4 ફૂટનો મગર પાર્કિંગમાં ઘૂસી ગયો હતો, જેના પગલે રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
મગર પાર્કિંગમાં ટૂ-વ્હીલર નીચે બેઠેલો હતો. રહીશોએ બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને કેનાઈન ગ્રુપને જાણ કરી.
ઘટનાસ્થળે વન વિભાગના જિજ્ઞેશભાઈ, લાલાભાઈ અને કેનાઈન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર, સ્વયંસેવકો વૃશાંક દીક્ષિત અને જય શાહ દોડી ગયા હતા. રેસ્ક્યૂની કામગીરી શરૂ કરતાં ટૂ-વ્હીલર નીચે બેઠેલો મગર છંછેડાઈ ગયો અને ભાગીને એક કાર નીચે સંતાઈ ગયો હતો.
રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ મગરના ગળામાં ગાળિયો નાખ્યો. મગરે ભારે ઊછળકૂદ કરી, પરંતુ ટીમે સુરક્ષિત રીતે તેનું રેસ્ક્યૂ કર્યું. મગરને વડોદરા વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાંથી તેને વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં હાલ 400થી વધુ મગર છે અને વડોદરા જિલ્લામાં કુલ 1000થી વધુ મગર હોવાનો અંદાજ છે. મગર શિડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે અને તેના હુમલામાં મૃત્યુ થાય તો સરકાર તરફથી $4$ લાખનું વળતર ચૂકવવામાં આવે છે. નદીકિનારે સાવધાની રાખવા માટે વન વિભાગે જરૂરી સૂચનાઓ પણ આપી છે.
*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
