
વડોદરા પતંગ રસિકો માટે ખુશખબર: કાઇટ ફેસ્ટિવલને મળી મંજૂરી
વડોદરામાં યોજાશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, સાંસદ સફળ
વડોદરા: વડોદરાના પતંગ રસિકો અને પર્યટન પ્રેમીઓ માટે આજે એક ખૂબ જ મોટા અને હર્ષના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલના મુખ્ય લોકેશનમાંથી આ વર્ષે વડોદરાને બાકાત રાખવામાં આવ્યું હતું. આ સમાચાર બહાર આવતા જ શહેરના પતંગ રસિકોમાં ઘેરી ચિંતા અને નિરાશા વ્યાપી હતી. જોકે, વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ આ મામલાને ગંભીરતાથી લઈને કરેલી રજૂઆતો સફળ રહી છે અને હવે વડોદરામાં પણ આ ભવ્ય મહોત્સવની ધૂમ જોવા મળશે.
આ અંગે વિગતો આપતા સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે રજૂઆત આવી હતી કે આ વખતે સરકાર દ્વારા આયોજિત કાઇટ ફેસ્ટિવલના સ્થળોમાં વડોદરાનું નામ નથી. વડોદરા માત્ર સંસ્કારી નગરી જ નહીં, પણ ઉત્સવોની નગરી પણ છે. નવલખી મેદાન ખાતે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગબાજો આવીને પોતાની કળાનું પ્રદર્શન કરતા હોય છે અને હજારો લોકો આ ઉત્સવને માણે છે, ત્યારે વડોદરાને બાકાત રાખવું તે શહેરની લાગણી દુભાવવા જેવું હતું.”
આ બાબતે સાંસદે સક્રિયતા દાખવી ગુજરાતના પ્રવાસન વિભાગને તાત્કાલિક પત્ર લખ્યો હતો અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે સરકારને વિશ્વાસ અપાવ્યો હતો કે વડોદરા પાસે આવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજવા માટેની પૂરતી ક્ષમતા અને અનુભવ છે, અને આનાથી શહેરના પર્યટનને મોટો વેગ મળશે. વડોદરાના તમામ ધારાસભ્યો અને સંગઠનની ટીમે પણ આ સૂચનને સમર્થન આપ્યું હતું.
સાંસદની આ સચોટ રજૂઆત બાદ માત્ર એક જ દિવસમાં સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. સરકારે વડોદરામાં કાઇટ ફેસ્ટિવલ યોજવા માટે મૌખિક મંજૂરી આપી દીધી છે. હવે વડોદરાનું સ્થાનિક વહીવટી તંત્ર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે મળીને સંકલન સાધી આ મહોત્સવ માટેની નવી તારીખો જાહેર કરશે.
આ સમાચારથી વડોદરાના પતંગ રસિકોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંસદ ડો. હેમાંગ જોષીએ આ મામલે સરકારનો આભાર માનતા કહ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સરકાર વડોદરાની જનતાની માગણીને અવશ્ય સ્વીકારશે. ટૂંક સમયમાં જ નવલખી મેદાન દેશ-વિદેશના પતંગોથી ગુંજી ઉઠશે, જે વડોદરાના ગૌરવમાં વધુ એક છોગું ઉમેરશે.
