ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૮૦ હજાર ગુણી મગફળીની વિક્રમી આવક, વરસાદની આગાહીથી પ્રવેશ બંધ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૮૦ હજાર ગુણી મગફળીની વિક્રમી આવક, વરસાદની આગાહીથી પ્રવેશ બંધ

ગોંડલ યાર્ડમાં મગફળીની વિક્રમી આવક: ૮૦ હજાર ગુણીનો ઢગ, વરસાદની આગાહીથી તંત્રએ આવક બંધ કરી દેતા ખેડૂતોને સૂચના

 

રાજકોટ/ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની અત્યાર સુધીની સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને ઉમટી પડ્યા હતા, જેના કારણે યાર્ડ બહારના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અંદાજે ૭૫ થી ૮૦ હજાર ગુણી મગફળીની આવક થતાં યાર્ડના ગેટની બંને તરફ ૨ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિત અનેક જિલ્લાના ખેડૂતો માટે જણસી વેચાણનું મુખ્ય કેન્દ્ર છે. સિઝનની શરૂઆત સાથે જ યાર્ડ સત્તાધીશો દ્વારા મગફળીની આવકની જાહેરાત કરાતા, આજે સવારે વિક્રમી માત્રામાં માલ ઠલવાયો હતો.

આજરોજ થયેલી હરાજીમાં મગફળીના ૨૦ કિલોના ભાવ રૂ. ૮૦૦ થી રૂ. ૧૧૦૦ સુધીના બોલાયા હતા. આગામી દિવસોમાં પણ મગફળીની આવકમાં વધારો થવાની શક્યતા છે.

જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી આપવામાં આવતા, યાર્ડ સત્તાધીશો દ્વારા આવક સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને સૂચના આપી છે કે, જ્યાં સુધી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે પોતાનો મગફળીનો પાક લઈને યાર્ડમાં આવવું નહીં, જેથી ખુલ્લામાં પડેલા પાકને નુકસાન ન થાય. યાર્ડ સત્તાધીશો હવે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવો નિર્ણય જાહેર કરશે. (અહેવાલ – હાર્દિક ચંદારાણા)

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )