
ગિરનાર ગોરક્ષનાથ પ્રતિમા તોડફોડ: પાલીતાણા સંતો દ્વારા કડક સજા અને પર્વત સુરક્ષાની માંગ
ગિરનાર પર ગોરક્ષનાથજીની પ્રતિમા ખંડિત થતાં આક્રોશ: પાલીતાણાના સંતોએ કડક સજા અને સુરક્ષાની માંગ કરી
પાલીતાણા: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સ્થિત શ્રી ગૌરક્ષ ધુણા ખાતે ગુરુ ગોરક્ષનાથજીના મંદિર પર અસામાજિક તત્વો દ્વારા તેમની પ્રતિમા તોડી પાડવાના ઘૃણાસ્પદ કૃત્યથી સનાતન ધર્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં, પાલીતાણાના સંતો અને સામાજિક આગેવાનોએ એકજૂથ થઈને માન. નાયબ કલેકટરશ્રી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, પ્રતિમા તોડનાર અસામાજિક તત્વોની તાત્કાલિક તપાસ કરીને ધરપકડ કરવામાં આવે અને સરકાર દ્વારા તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. વધુમાં, સંતોએ ગિરનાર અને પાલીતાણા પર્વત પર ભૂતકાળમાં હનુમાનજીની પ્રતિમા, ખોડિયાર માતાજીના મંદિર અને શિવ મંદિરોમાં થયેલી તોડફોડની ઘટનાઓને ટાંકીને ગંભીરતા વ્યક્ત કરી હતી.
સનાતન ધર્મના મંદિરોને લક્ષ્ય બનાવીને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો ઈરાદો હોવાનું જણાવી, આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે કે ગિરનારના મંદિરોની રક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે. આ ઉપરાંત, પાલીતાણામાં પણ ‘તીર્થ રક્ષા’ના નામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે, ટાસ્ક ફોર્સના આદેશ મુજબ તમામ ધર્મસ્થાનોના મંદિરોની રક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી ગિરનાર જેવી ઘટનાનું પુનરાવર્તન પાલીતાણામાં ન થાય.
સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી અને માગણી વતી આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
(રિપોર્ટર: શાફિન દાતારી)
