
વાવ-થરાદ: DILR કચેરીની ઢીલી કામગીરીથી ખેડૂતો પરેશાન
વાવ-થરાદ DILR કચેરીમાં રી-સર્વેની ભૂલો સુધારવામાં થાગાથૈયા
વાવ-થરાદ: બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા વાવ અને થરાદમાં ખેડૂતો માટે જમીન રી-સર્વેની કામગીરી આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. આ વિસ્તારમાં DILR કચેરી કાર્યરત હોવા છતાં, ખેડૂતોના જમીન રેકોર્ડમાં રહેલી ગંભીર ભૂલો સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલા જમીન રી-સર્વેમાં વ્યાપક ક્ષતિઓ રહી ગઈ હતી. ખેડૂતોની માલિકીની જમીનના નકશા બદલાઈ ગયા છે, ક્ષેત્રફળમાં મોટી વધ-ઘટ થઈ છે અને કબજાના રેકોર્ડમાં પણ ગરબડ થઈ છે. વાવ અને થરાદના ખેડૂતો છેલ્લા ૧૦ વર્ષથી આ ભૂલો સુધારવા માટે અરજીઓ કરી રહ્યા છે. ખેડૂતોને જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે તે માટે તાલુકા કક્ષાએ ઓફિસ શરૂ કરવાની જાહેરાતો તો થઈ, પણ જમીની સ્તરે હજુ સુધી કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી.
રી-સર્વેની ભૂલોને કારણે ખેડૂતો બેંકમાંથી લોન મેળવી શકતા નથી કે સરકારી સબસિડીનો લાભ પણ લઈ શકતા નથી. અનેક કિસ્સાઓમાં જમીનના વિવાદો કોર્ટ સુધી પહોંચ્યા છે, જેના કારણે ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે DILR કચેરીના અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે. “અમે ઓફિસોના ધક્કા ખાઈને થાકી ગયા છીએ, પણ અમારી મહેનતની જમીનના કાગળો સુધારવામાં આવતા નથી,” તેવું એક પીડિત ખેડૂતે જણાવ્યું હતું.
સરહદી વિસ્તારના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. તેમની માંગ છે કે વાવ અને થરાદમાં તાલુકા કક્ષાએ પૂર્ણકાલીન સુવિધા સાથેની ઓફિસ શરૂ કરવામાં આવે અને રી-સર્વેની તમામ ભૂલો સુધારવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે. જો તંત્ર હજુ પણ “થાગાથૈયા” કરવાનું ચાલુ રાખશે, તો ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
