ભાવનગરમાં નકલી માવાનો ધંધો જોરમાં, ફૂડ વિભાગ નિષ્ક્રિય?

ભાવનગરમાં નકલી માવાનો ધંધો જોરમાં, ફૂડ વિભાગ નિષ્ક્રિય?

લોકોના આરોગ્ય ઉપર મંડરાતો ખતરો: પાંચ દિવસમાં બીજી બનાવટી માવાની ફેક્ટરી પકડાઇ, ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

 

ભાવનગર, 8 ઓક્ટોબર, 2025: ભાવનગર જિલ્લામાં ભેળસેળનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં બીજી બનાવટી માવાની ફેક્ટરી ઝડપાતાં લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફરી એક વખત ઊંઘતું ઝડપાયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિહોર તાલુકાના આંબલા ગામના વાડી વિસ્તારમાં SOG પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને બનાવટી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ રેડ દરમિયાન મિલન દવે નામના વ્યક્તિનું નામ સપાટી પર આવ્યું છે, જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. તપાસમાં બહાર આવ્યું કે આ ફેક્ટરીમાં દૂધનો પાવડર, પામોલીન તેલ અને ફટકડી જેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને માવો તૈયાર કરવામાં આવતો હતો, જે સીધો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે.

SOG પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને સ્થળ પરથી આશરે ૧૧૮૫ કિલો બનાવટી માવો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. જોકે, આ ઘટનાથી એક ગંભીર સવાલ ઊભો થયો છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફક્ત કાગળ પર જ ખોરાકની સલામતી ચકાસે છે? સિહોર તાલુકામાંથી લાયસન્સ વગર બનાવટી માવાની આ બીજી ફેક્ટરી ઝડપાતાં, ફૂડ વિભાગની કામગીરીની નિષ્ક્રિયતા અને બેદરકારી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. તંત્ર દ્વારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટ: જીશાન ખૂંટ

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )