સુરતમાં 1400 કિલો નકલી પનીર સાથે કારખાનું ઝડપાયું

સુરતમાં 1400 કિલો નકલી પનીર સાથે કારખાનું ઝડપાયું

સુરતમાં નકલી પનીરનું મોટું નેટવર્ક ઝડપાયું: ૧૪૦૦ કિલો જથ્થો અને ૨૫ લાખની મશીનરી જપ્ત

સુરત શહેરમાં ખાણીપીણીમાં થતી ભેળસેળ સામે S.O.G. અને પાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. પાંડેસરાના ભીડભંજન વિસ્તારમાં ચાલતા એક શંકાસ્પદ પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ કરીને અધિકારીઓએ ૨૮.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમી મુજબ, પાંડેસરામાં ગેરકાયદેસર રીતે અને અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં પનીર બનાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન તપાસનીશ ટીમે જોયું કે કારખાનામાં ૧૪૦૧ કિલો પનીરનો જથ્થો તૈયાર હતો. વધુ તપાસમાં પામોલીન તેલના ૪૪ ડબ્બા અને એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દૂધના બદલે પનીરના ટેક્સચર માટે કરવામાં આવતો હતો. આરોપી મહેશ શર્મા છેલ્લા બે વર્ષથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અને દરરોજ અંદાજે ૪૦૦ કિલો નકલી પનીર બનાવીને શહેરની ડેરીઓમાં સપ્લાય કરતો હતો.

લોકોને છેતરવા માટે આરોપી ‘એનાલોગ પનીર’ના સ્ટીકર વાપરતો હતો અને બજાર ભાવ કરતા અડધા ભાવે (રૂ. ૨૨૦ પ્રતિ કિલો) પનીર વેચતો હતો. આ સસ્તા પનીરને કારણે અનેક નાની ડેરીઓ અને ખાણીપીણીની લારીઓ તેના ગ્રાહક બન્યા હતા. પોલીસે સ્થળ પરથી ૨૫ લાખની કિંમતના મશીનો પણ જપ્ત કર્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસરોએ જણાવ્યું છે કે પનીરના નમૂના લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. લેબોરેટરી રિપોર્ટમાં હાનિકારક તત્વોની પુષ્ટિ થતા જ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં તમામ માલ સીલ કરી દેવામાં આવ્યો છે. સુરત મનપાએ શહેરીજનોને અપીલ કરી છે કે ખુલ્લું કે અતિશય સસ્તું પનીર ખરીદતા પહેલા તેની ગુણવત્તાની ચકાસણી જરૂર કરે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )