
Economic Survey 2025: દેશની અર્થવ્યવસ્થાનું વાર્ષિક રિપોર્ટ
Budget 2025 પહેલા Nirmala Sitharaman રજૂ કરશે Economic Survey
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 29 જાન્યુઆરીએ સંસદના ટેબલ પર દેશની અર્થવ્યવસ્થાનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ એટલે કે ‘Economic Survey’ રજૂ કરશે. દર વર્ષે બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવતો આ દસ્તાવેજ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ અને ભવિષ્યના રોડમેપની ઝલક આપે છે. ઇકોનોમિક સર્વેમાં પાછલા એક વર્ષમાં ભારતે મેળવેલી આર્થિક સિદ્ધિઓ, GDP વૃદ્ધિદર, મોંઘવારીની સ્થિતિ અને રાજકોષીય ખાધ (Fiscal Deficit) જેવા મહત્વના આંકડાઓનો સમાવેશ થાય છે.
આ અગાઉના વર્ષના આર્થિક સર્વેક્ષણમાં ભારતની ઇકોનોમી 6.3% થી 6.8% ની ઝડપે વધવાનો આશાસ્પદ અંદાજ મૂકવામાં આવ્યો હતો. સાથે જ એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે જો ભારત 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માંગતું હોય, તો તેણે આગામી બે દાયકા સુધી સતત 8% ના દરે વિકાસ કરવો અનિવાર્ય છે.
ઇકોનોમિક સર્વેની પ્રક્રિયા અને મહત્વ: આ મહત્વપૂર્ણ દસ્તાવેજ નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ (Economic Affairs Department) ના ઇકોનોમિક ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાની આગેવાની દેશના ચીફ ઇકોનોમિક એડવાઇઝર (CEA) ડો. વી અનંત નાગેશ્વરન કરે છે. આ સર્વે અર્થવ્યવસ્થા માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે, જે સૂચવે છે કે કયા ક્ષેત્રમાં પ્રોત્સાહનની જરૂર છે અને કયા પડકારો અર્થતંત્રને અવરોધી રહ્યા છે.
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, ભારતનો પ્રથમ ઇકોનોમિક સર્વે વર્ષ 1950-51 માં રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે તે કેન્દ્રીય બજેટનો જ એક અભિન્ન ભાગ હતો. જોકે, 1964 થી આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેને બજેટથી અલગ કરીને બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા સ્થાપિત થઈ.
શું આ સર્વે બંધનકર્તા છે? નોંધનીય છે કે સરકાર ઇકોનોમિક સર્વેમાં આપવામાં આવેલા સૂચનો કે ભલામણો માનવા માટે કાયદાકીય રીતે બંધાયેલી નથી. તેમ છતાં, મોટાભાગે સરકાર સર્વેના તારણોને ધ્યાનમાં રાખીને જ બજેટની જાહેરાતો અને યોજનાઓ તૈયાર કરતી હોય છે. આ સર્વે દ્વારા વિદેશી રોકાણકારો અને આર્થિક નિષ્ણાતોને ભારતની અર્થવ્યવસ્થાની મજબૂતીનો અંદાજ મળે છે. આજના સર્વેમાં ભારતની અર્થવ્યવસ્થા કયા દરે આગળ વધશે અને સામાન્ય માણસને મોંઘવારીમાંથી કેટલી રાહત મળશે તેના સંકેતો મળવાની પૂરી શક્યતા છે.
