
સુરતના વેસુમાં તંત્રની ઘોર બેદરકારીથી ગટર બની મોતનો કૂવો
સુરત: વેસુમાં મનપાની બેદરકારી, રસ્તો બનાવ્યો પણ ગટર ખુલ્લી મૂકી
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ વિકાસની આડમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા વેસુ વિસ્તારમાં રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ ગટર ખુલ્લી મૂકી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. વેસુ આરોગ્ય કેન્દ્રની બિલકુલ સામે જ આ મોતનો કૂવો જેવી ગટર વહીવટી તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહી છે.
સરકારી કચેરીઓ અને આરોગ્ય કેન્દ્રની સામે જ આ પ્રકારની સ્થિતિ હોવી એ તંત્રની લાપરવાહીનો ઉત્તમ નમૂનો છે. અહીં દરરોજ સેંકડો દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની અવરજવર રહેતી હોય છે. નવો રસ્તો હોવાથી વાહનોની ગતિ સામાન્ય રીતે વધુ હોય છે, જે અજાણ્યા વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસામાં કે રાત્રિના સમયે આ ખુલ્લી ગટર અદ્રશ્ય બની જાય છે, જે કોઈના જીવ પણ લઈ શકે છે.
મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની આ ભૂલ પર તંત્રએ હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જ્યારે તંત્ર ઊંઘતું રહ્યું ત્યારે એક જાગૃત નાગરિકે અકસ્માત નિવારવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. તેમણે ગટરની અંદર એક લાંબો થાંભલો ઊભો કરી દીધો છે જેથી વાહનચાલકો દૂરથી જ જોખમ જોઈ શકે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે એક સામાન્ય નાગરિકને તંત્રની ભૂલ સુધારવા મેદાને આવવું પડ્યું તે શરમજનક બાબત છે. વેસુ વિસ્તારમાં રાત્રિના સમયે અંધારામાં આ ગટર જીવલેણ અકસ્માત સર્જી શકે તેમ હોવાથી, તંત્ર તાત્કાલિક જાગે અને ઢાંકણું લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
