
કાલાવાડ રોડ: કારની ટક્કરે યુવકનું મોત, ચાલક આત્મન પટેલ હાજર
કાલાવાડ રોડ: ક્રિસ્ટલ મોલ નજીક કાર અકસ્માતમાં યુવકનું મોત
રાજકોટ: રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને બેફામ ડ્રાઇવિંગના કારણે નિર્દોષ યુવાનોના જીવ જઈ રહ્યા છે. શહેરના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે લક્ઝુરિયસ કાર હંકારી રહેલા ચાલકે એક ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં ટુ વ્હીલરચાલક ૨૦ વર્ષીય યુવક અભિષેકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતની ગંભીરતા જોતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
જોકે, અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ભાગી જવાને બદલે સીધો જ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. કાર ચાલકની ઓળખ આત્મન પટેલ તરીકે થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને પી.એમ. બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસે આત્મન પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં બે દિવસમાં આ બીજો ગમખ્વાર અકસ્માત છે, જે શહેરની રોડ સેફ્ટી અને ડ્રાઇવિંગ પર ગંભીર સવાલો ઊભા કરે છે. અગાઉ, યુનિવર્સિટી રોડ પર પણ એક મહિલા કાર ચાલકે એક્ટિવા પર જતી માતા-પુત્રીને હડફેટે લેતા ૧૫ વર્ષીય પુત્રી ધ્રુવીનું મોત નિપજ્યું હતું.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
