
રાજકોટ સિવિલ: ઈમરજન્સીમાં ડોક્ટર ઊંઘતા ઝડપાયા
રાજકોટ સિવિલ નો વીડિયો વાયરલ: ડોક્ટર ફરજ પર ઊંઘતા ઝડપાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં જાણે ‘આરામ’ ફરજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા હોવાની ફરિયાદો નવી નથી, પરંતુ આ વખતે પુરાવા રૂપે વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ડોક્ટર ટેબલ પર માથું ઢાળીને ઘસઘસાટ ઊંઘી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, એક દર્દી ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો હતો. લગભગ અડધો કલાક વીતી ગયો હોવા છતાં તેને વોર્ડમાં દાખલ કરવો કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. દર્દી અને તેના સગા પરેશાન હતા, ત્યારે તેમની નજર ડ્યુટી પરના ડોક્ટર પર પડી જે આરામથી સૂઈ રહ્યા હતા. આ જોઈને રોષે ભરાયેલા નાગરિકે આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી.
આ બાબતે જ્યારે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દુસરાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રાબેતા મુજબ તપાસની વાત કરી હતી. તેમણે કહ્યું કે, વીડિયો બાબતે જે-તે ડોક્ટરનો ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. સવાલ એ થાય છે કે ઈમરજન્સી વિભાગમાં જ્યાં એક-એક મિનિટ કિંમતી હોય છે, ત્યાં ડોક્ટરોની આવી બેદરકારી ક્યારે અટકશે?
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
