
દિવાળીએ રંગીલું રાજકોટ રોશનીથી ઝગમગ્યું: BAPS મંદિરમાં અદભૂત શણગાર
ઉજાસના પર્વ દિવાળીએ રંગીલા રાજકોટમાં રોશનીનો અણમોલ ઝગમગાટ, BAPS મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર
ઉજાસના પર્વ અને હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીમાં રંગીલું રાજકોટ આજે સામાન્ય દિવસો કરતાં વધુ રંગીલું લાગી રહ્યું છે. રાજકોટની આગવી ઓળખ મુજબ આ વર્ષે પણ શહેરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.
રાજકોટના હ્ર્દય સમા રેસકોર્સ મેદાનની સાથોસાથ આખાએ શહેરમાં છેલ્લા ચાર દિવસથી રંગબેરંગી રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. શહેરના દરેક રોડ-રસ્તા અને ઘરો દીવડાઓ અને ઝગમગતી લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. આ રોશની જાણે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અણમોલ ઉજાસ પાથરતી હોય તેવી અનુભૂતિ કરાવે છે, જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનના આંતરિક અજવાશનું પ્રતિક છે.
ખાસ કરીને, કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે થયેલો ભવ્ય શણગાર અને રોશનીનો ઝગમગાટ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. રાત્રિના સમયે આ મંદિર પર થયેલી રોશનીના કારણે સર્જાયેલા આહલાદક દૃશ્યો જોઈ દરેકના મુખેથી ‘વાહ અદભૂત’નો સુર નીકળી જાય છે. આ દૃશ્યો કઈંક અલગ જ ઉર્જા પ્રદાન કરે છે.
આજ રોજ દિવાળીના પાવન પર્વ નિમિત્તે BAPS મંદિરમાં ચોપડા પૂજન અને સાંજે ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાશે અને દીવડાની જ્યોત સાથે ભક્તિમય માહોલમાં નવા વર્ષની શરૂઆત પૂર્વેના સંકલ્પો લેશે.
અહેવાલ – હાર્દિક ચંદારાણા
