
દિવાળી 2025: રાજકોટમાં કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજન અને ખરીદી યથાવત્
કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડાનું મહત્વ અકબંધ: રાજકોટમાં દિવાળી માટે જંગી સ્ટોક
રાજકોટ: દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજકોટના વેપાર જગતમાં પરંપરાગત ચોપડા અને અન્ય પૂજન સામગ્રીની ખરીદીનો માહોલ જામ્યો છે. આજના સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ એકાઉન્ટિંગના સમયમાં પણ વેપાર-ધંધાની વૃદ્ધિ અને લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ચોપડા પૂજનનું મહત્વ જળવાઈ રહ્યું છે, જેના કારણે બુક સેલર અને સ્ટેશનરીના વેપારીઓએ ચોપડા, કેલેન્ડર, તિથિ તોરણ અને પંચાંગ સહિતનો જંગી સ્ટોક કર્યો છે.
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી મોહનલાલ એન્ડ સન્સ પેઢીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોપડાના ભાવમાં પાંચ ટકા જેટલો મામૂલી વધારો થયો છે, તેમ છતાં તેની ખરીદી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. વેપારીઓ અને પેઢીઓ દ્વારા તેમની પરંપરા મુજબ ચોપડાની શુભ ખરીદી કરવામાં આવી રહી છે, જેનું દિવાળીના શુભ દિવસે પૂજન કરીને નવું વર્ષ શરૂ કરવામાં આવશે.
વેપારીઓ વર્ષભરના નફા-નુકસાનના હિસાબો ડિજિટલ માધ્યમની સાથે-સાથે પરંપરાગત ચોપડામાં પણ કંડારે છે. આ માત્ર હિસાબ-કિતાબનો વિષય નથી, પરંતુ તે વેપારની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વિવિધ બુક સ્ટોર અને સ્ટેશનરીની દુકાનોમાં રોજનીશી, પંચાંગ અને તિથિ તોરણની ડિમાન્ડ યથાવત રહી છે, જે દર્શાવે છે કે ટેક્નોલોજીના વિકાસ છતાં ભારતીય સંસ્કૃતિમાં પરંપરાનું મૂળ મજબૂત છે.
