
ધનતેરસ 2025: સોના-ચાંદી સિવાય કઈ વસ્તુઓ ખરીદવી શુભ?
ધનતેરસ પર સોનું-ચાંદી ઉપરાંત આ વસ્તુઓ ચોક્કસ ખરીદો: ઘરમાં આવશે દેવી લક્ષ્મી અને ધનવંતરીના આશીર્વાદ
રાજકોટ: હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની શરૂઆત કરતો તહેવાર ધનતેરસ (ધનત્રયોદશી) સંપત્તિ, સમૃદ્ધિ અને આરોગ્યનું પ્રતીક છે. આ દિવસે મુખ્યત્વે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા.
પરંપરાગત રીતે ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદીને સૌથી શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષીઓ અને શાસ્ત્રો અનુસાર કેટલીક અન્ય વસ્તુઓ પણ છે જે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
ખાસ કરીને, સાવરણી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક ગણવામાં આવે છે, જે ઘરની નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરીને પવિત્રતા લાવે છે. આ ઉપરાંત, ધનતેરસ પર શંખ અને રુદ્રાક્ષ (ખાસ કરીને સાત મુખી) ખરીદવું પણ શુભ મનાય છે. શંખ ફૂંકવાથી ઘરમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે.
આરોગ્યના દેવતા ધનવંતરીનો દિવસ હોવાથી, તાંબાના વાસણોની ખરીદી આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે શુભ ગણાય છે. તાંબા સાથે કાંસાથી બનેલા વાસણો અથવા સુશોભન વસ્તુઓ ખરીદવાથી પણ ઘરમાં ધન અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય છે. ખરીદી બાદ આ વસ્તુઓને વિધિવત પૂજા કરીને જ ઉપયોગમાં લેવી જોઈએ.
