
ફરિયાદ છતાં ઉડાડી મજાક: બ્રિટિશ પિઝા વિવાદ
વડોદરાના બ્રિટિશ પિઝામાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં? અનલિમિટેડ ઓફરમાં વાસી અને ખરાબ વાસ આવતું ભોજન પીરસાતા હોવાનો આક્ષેપ
વડોદરા: તહેવારની સિઝન આવતાની સાથે જ જ્યાં એક તરફ હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ભાવોમાં વધારો થતો હોય છે, ત્યાં ગુણવત્તામાં પણ ઘટાડો થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરાના બિલ-પાદરા રોડ પર આવેલા ‘બ્રિટિશ પિઝા’માં બન્યો છે, જ્યાં ગ્રાહકોને વાસી અને ખરાબ ખોરાક પીરસવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ પિઝા અને સ્ટાર્ટરની ઓફર ચાલી રહી છે. ગ્રાહકોએ જણાવ્યું કે તહેવાર પહેલા ₹200ના ભાવની સામે દિવાળીની સીઝનમાં ભાવ વધારીને ₹279 કરી દેવામાં આવ્યો હતો. ભાવ વધારો હોવા છતાં ગ્રાહકો ગુણવત્તાની અપેક્ષા સાથે જમવા આવતા હોય છે, પરંતુ અહીં અનલિમિટેડ ઓફરમાં પાસ્તા અને સ્ટાર્ટરમાંથી ખરાબ વાસ આવતી હતી.
એક ગ્રાહકે આ અંગે મેનેજરને ફરિયાદ કરી તો મેનેજરે માત્ર પાસ્તા હટાવી લીધા હતા અને માત્ર ‘સોરી’ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રાહકોનો આક્ષેપ છે કે માત્ર ‘સોરી’ કહીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી શકાય નહીં.
તંત્ર દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટ આવી રેસ્ટોરન્ટો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. જો ગ્રાહકો પૂરા પૈસા ચૂકવે છે, તો તેમને ગુણવત્તાયુક્ત ખોરાક મેળવવાનો પૂરો અધિકાર છે. ગ્રાહકોએ આવા સ્થળોએ જમતી વખતે સાવધાની રાખવા અપીલ કરી છે.
