
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામ ખાતે દર્શન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના ખોડલધામ દર્શન અને પ્રાર્થના
ખોડલધામ, કાગવડ — નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલઘામ ખાતે પહોંચ્યા, જ્યાં તેમના આગમન પર ગાર્ડ ઓફ ઓનર આપી તેમને સન્માનિત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાની ત્રિમૂર્તિ સમાન ખોડલધામમાં તેમણે મા ખોડલના આશીર્વાદ લઈને રાજ્યના પ્રજાજનોની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
સંઘવીએ ખાસ કરીને કમોસમી વરસાદથી હેરાન ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર તેમની મદદ માટે પ્રતિબદ્ધ છે અને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. “મા ખોડલ સૌ ખેડૂતોને ફરી ઉભા થવાની શક્તિ આપે,” એમ તેમણે ભાવપૂર્વક કહ્યું.
ખોડલધામ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે અહીં રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિનું અનન્ય સંકલન જોવા મળે છે. “આ ધામ આપણા સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ છે,” એમ તેમણે ઉમેર્યું. વૈદિક લગ્ન પ્રથા અંગે તેમણે નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટની ટીમના પ્રયાસોને સરાહ્યા. વૈદિક લગ્ન પદ્ધતિ સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આર્થિક રીતે પરવડી શકે તેવી, સરળ અને સાત્વિક પ્રથા હોવાના કારણે સમગ્ર સમાજે તેને સ્વીકારવી જોઈએ, એમ તેમણે સુચવ્યું.
મંદિર પરિસરમાં ફરી રહ્યાં હતા ત્યારે તેમણે દર્શનાર્થીઓ સાથે મળીને તેમના ખબરઅંતર પૂછ્યા, જે તેમના સરળ સ્વભાવનો ઉત્તમ દાખલો બન્યો. લોકો સાથે સીધી વાતચીત કરી તેમને પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવાની તક આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, દિનેશભાઈ બાંભરોલીયા, ભરતભાઈ બોધરા, વી.પી. વૈષ્ણવ સહિત ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ ગોવિંદ સહિત વરિષ્ઠ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મુલાકાત પૂર્ણ થતા ખોડલધામમાં ભક્તો અને આગંતુકોમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
