
વડોદરા :પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી આણંદમાંથી ઝડપાયો
વડોદરા પેરોલ ફર્લો સ્કવોર્ડ: ઓપરેશન પરાક્રમ હેઠળ સફળતા
વડોદરા: રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીની સૂચનાથી તા.૨૭/૧૦/૨૦૨૫ થી તા.૧૦/૧૧/૨૦૨૫ દરમિયાન નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડ્રાઇવના અનુસંધાને, પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગ્રવાલ, વડોદરા ગ્રામ્ય દ્વારા “ઓપરેશન પરાક્રમ” હેઠળ પ્રોહિબિશન, અપહરણ, ચોરી, લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને પકડી પાડવા કડક કાર્યવાહીના આદેશો અપાયા હતા.
જેના ભાગરૂપે, વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ ૬૫(એ) (ઇ) સહિતની કલમો હેઠળ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ નોંધાયેલા ગુનાનો નાસતો-ફરતો આરોપી વલીમમહંમદ જીવાઉદીન અહેમદભાઇ વ્હોરા ને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ નજરથી દૂર રહેતા આરોપીને શોધી કાઢવા માટે પી.એસ.આઇ. શ્રી એસ.જે.જત ની સૂચનાથી સ્ટાફ દ્વારા તમામ સંભવિત સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, આ.પો.કો. તુષારભાઇ અરવિંદભાઇને આરોપી સોજીત્રા, આણંદ ખાતે હોવાની સચોટ બાતમી મળી હતી.
આ માહિતીના આધારે, એક ટીમે તુરંત આણંદ જિલ્લામાં તપાસ હાથ ધરી હતી અને આરોપીને સોજીત્રા બસસ્ટેન્ડ પાસે, મોજે. એકતા આમલેટ પાછળથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડભોઇ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પી.એસ.આઇ. શ્રી એસ.જે.જત સહિત પાંચ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
