કપડવંજ MGVCL ની બેદરકારીથી ગ્રાહકો પરેશાન, ભાજપ સામે રોષ

કપડવંજ MGVCL ની બેદરકારીથી ગ્રાહકો પરેશાન, ભાજપ સામે રોષ

કપડવંજ MGVCL ની બેદરકારી: બિલ આપ્યા વગર જ લાઈટો કાપી નાખતા વૃદ્ધો અને ગ્રાહકોમાં રોષ

કપડવંજ શહેરમાં MGVCL ના વહીવટની અંધાધૂંધી સામે આવી છે, જેના કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને વૃદ્ધો પાયમાલ થઈ રહ્યા છે. મોટા નાગરવાડા અને સુથારવાડા ચકલા વિસ્તારમાં આજે સવારથી જ સ્માર્ટ મીટર ધરાવતા ઘરોમાં અચાનક અંધારપટ છવાઈ ગયો હતો. લોકોએ તપાસ કરતા માલૂમ પડ્યું કે વીજ કંપનીએ કોઈ પણ જાણ કર્યા વગર લાઈટો કાપી નાખી છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમને છેલ્લે ફેબ્રુઆરીની શરૂઆતમાં ડિસેમ્બર-2025 નું બિલ મળ્યું હતું, જે તેમણે સમયસર ભરી દીધું હતું. ત્યારબાદ આજદિન સુધી જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2026 ના બિલ કર્મચારીઓ આપવા આવ્યા જ નથી. બિલ વગર નાણાં કેવી રીતે ભરવા તે મોટો પ્રશ્ન હતો, છતાં તંત્રએ લાઈટો કાપી નાખી. આ અંગે ફરિયાદ કેન્દ્ર પર ફોન કરતા કોઈ જવાબ મળ્યો નહોતો અને ઓનલાઈન ફરિયાદના કલાકો બાદ કર્મચારીઓ આવ્યા ત્યારે ખબર પડી કે નાણાં બાકી હોવાથી ઉપરથી લાઈટ બંધ કરાઈ છે.

ગ્રાહકો જ્યારે ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે નાયબ એન્જિનિયર કડિયા સાહેબનો વ્યવહાર અત્યંત નિરાશાજનક રહ્યો હતો. તેમણે પોતાની ટીમની નિષ્ફળતા છુપાવવા માટે ગ્રાહકોને જ સલાહ આપી કે “તમારે એડવાન્સ પૈસા ભરવા જોઈએ” અથવા “એપમાં જોઈ લેવું જોઈએ”. સવાલ એ ઊભો થાય છે કે શું 80-85 વર્ષના વૃદ્ધો પાસે સ્માર્ટફોન એપ વાપરવાની અપેક્ષા રાખવી યોગ્ય છે? અધિકારીએ આખા વિસ્તારની જનતાને ખોટી ગણાવી પોતાના બિલ ન આપનારા કર્મચારીઓને છાવર્યા હતા.

આ પરિસ્થિતિને કારણે સ્માર્ટ મીટર પ્રત્યે લોકોનો અવિશ્વાસ વધ્યો છે. સ્થાનિકો હવે સીધો પ્રહાર ભાજપ સરકાર પર કરી રહ્યા છે. લોકોમાં ગણગણાટ છે કે જો ભાજપના નેતાઓ આવા ઉદ્ધત અધિકારીઓ અને બેદરકાર તંત્ર પર લગામ નહીં કસે, તો લોકો આગામી ચૂંટણીમાં ભાજપને વોટ આપવાનું ટાળશે. સત્તાધારી પક્ષના નેતાઓએ તાત્કાલિક દખલગીરી કરી ગ્રાહકોને ન્યાય અપાવવો જોઈએ.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )