સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંકટ: કોલસો મોંઘો થતા પ્રોસેસિંગ ચાર્જ વધશે

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંકટ: કોલસો મોંઘો થતા પ્રોસેસિંગ ચાર્જ વધશે

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધના વાદળો: કોલસાના ભાવમાં ભડકો, ૪૦૦ મિલો પર જોખમ

વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે સુરતના ટેક્સટાઈલ હબ સુધી પહોંચી છે. સુરતના અર્થતંત્રના મુખ્ય સ્તંભ ગણાતા ડાઈંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગ માટે કોલસો પ્રાણવાયુ સમાન છે, પરંતુ તેના ભાવમાં પ્રતિ ટન ૮૦૦થી ૧૨૦૦ રૂપિયાનો અચાનક વધારો થતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ચાર દિવસના ટૂંકા ગાળામાં આવેલી આ તેજીને અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે.

સુરતમાં વપરાતો મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયાથી દરિયાઈ માર્ગે આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ રૂટ પ્રભાવિત થતા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પ્રતિ ટન ૮ અમેરિકી ડોલરનો વધારો થતા આયાતી કોલસો મોંઘો થયો છે. સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિયેશન (SGTPA)ના અંદાજ મુજબ, આ વધારાને કારણે કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો અનિવાર્ય બનશે. સુરતની ૪૦૦થી વધુ પ્રોસેસિંગ મિલો માટે આ પરિસ્થિતિ પડકારજનક છે, કારણ કે દરેક મિલમાં દરરોજ સરેરાશ ૪૦ થી ૫૦ ટન કોલસાની જરૂર પડે છે.

વધતી કિંમતો કરતા પણ મોટી સમસ્યા સ્ટોકની અછત છે. હાલમાં મિલો પાસે માત્ર ૭ દિવસ ચાલે તેટલો જ કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી એક અઠવાડિયામાં પુરવઠો સામાન્ય નહીં થાય તો અનેક એકમોને તાળા મારવાની સ્થિતિ સર્જાઈ શકે છે. SGTPAના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો હવાલો આપી સ્થાનિક આયાતકારો દ્વારા ભાવમાં અસહ્ય વધારો ઝીંકી દેવાયો છે. એસોસિયેશન ટૂંક સમયમાં સભ્યો સાથે બેઠક કરી આ અંગે સંયુક્ત નિર્ણય લેશે. જો સ્થિતિ વધુ વણસશે તો કાપડના વેપાર પર તેની લાંબા ગાળાની અસર પડશે અને સામાન્ય જનતા માટે તૈયાર વસ્ત્રો ખરીદવા મોંઘા બનશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )