
વડોદરા: રણછોડજીના વિવાહ, દેવઊઠી એકાદશીનો સંયોગ
દેવઊઠી એકાદશી: વડોદરામાં ૨૧૬ વર્ષની પરંપરા, ભવ્ય વરઘોડો
દેવઊઠી એકાદશી વરઘોડો વડોદરા: વિક્રમ સંવત ૨૦૮૨નું નૂતન વર્ષ એક અનોખા અને શુભ સંયોગ સાથે શરૂ થયું છે. આ વર્ષે દસ વર્ષ બાદ દેવઊઠી એકાદશી અને બારસ એકસાથે ભેગા થવાનો શુભ સંયોગ રચાયો હતો, જેને કારણે આ ધાર્મિક પર્વનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.
દેવઊઠી એકાદશી એટલે ભગવાન રણછોડજીના વિવાહનો પવિત્ર પ્રસંગ. આ ઉત્સવ સમગ્ર ભારતમાં અત્યંત ભક્તિમય વાતાવરણ અને સંપૂર્ણ આસ્થા સાથે ઉજવવામાં આવે છે, અને આ દિવસથી જ લગ્નસરાની મોસમ શરૂ થાય છે.
આ ધાર્મિક પ્રસંગે વડોદરા શહેરમાં ૨૧૬ વર્ષની પ્રાચીન પરંપરાને જાળવતા ભગવાનના વિવાહ નિમિત્તે મુખ્ય(દેવઊઠી એકાદશી વરઘોડો વડોદરા) વરઘોડો નીકળ્યો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા છાણી ગામના નવાપુરા વિસ્તારમાં પણ દેવ ઊઠી એકાદશીએ ભગવાનના વિવાહ નિમિત્તે ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો ઢોલ, નગારા અને ત્રાંસાના નાદ સાથે આખા નગરમાં ફેરવવામાં આવ્યો હતો.
આ ભક્તિમય પ્રસંગે છાણી ગામના કોર્પોરેટર હરીશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગ્રામજનોએ હર્ષ અને ભગવાન પ્રત્યેની ઊંડી આસ્થા સાથે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જય ઘોષ અને ભજન-કિર્તનના માહોલમાં વરઘોડો સમગ્ર ગામમાં ફર્યો હતો, જેણે ગામમાં ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું.
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
