વડોદરા: PMના પ્રવાસને કારણે શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

વડોદરા: PMના પ્રવાસને કારણે શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

વડોદરા: વડાપ્રધાનના પ્રવાસને કારણે શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર; ૨૯ થી ૩૧ ઓક્ટોબર સુધી ડ્રોન, ક્વાડ કોપ્ટર અને પેરાગ્લાઇડર ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ

વડોદરા: PMના પ્રવાસને કારણે શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર, વડોદરા શહેર પોલીસ કમિશ્નરની કચેરી દ્વારા જાહેર જનતા અને મહાનુભાવશ્રીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વડોદરા શહેર વિસ્તાર તા. ૨૯/૧૦/૨૦૨૫ના ૦૦:૦૦ કલાકથી તા. ૩૧/૧૦/૨૦૨૫ના ૨૪:૦૦ કલાક સુધી “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.

જાહેરનામું બહાર પાડવાનું કારણ

પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર, I.P.S., દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ હુકમ જારી કરવામાં આવ્યો છે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે વડાપ્રધાનશ્રી તા. ૩૦/૧૦/૨૦૨૫ અને તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ વડોદરા શહેર ખાતે પધારનાર છે.

આવા સંજોગોમાં, દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવ રહિત રિમોટ સંચાલિત વિમાન (ડ્રોન) જેવા સંસાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન સંસાધનો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) નો ગેરલાભ લઈને મહાનુભાવશ્રીની તેમજ જાહેર જનતાની સુરક્ષાને અને કાયદો તથા વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ તાકીદની અને અગત્યની પરિસ્થિતિના સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહીની આવશ્યકતા જણાતા આ એક તરફી હુકમ કરવામાં આવ્યો છે.

કયા સંસાધનો પર છે પ્રતિબંધ?

વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયો છે, જેના પરિણામે નીચે જણાવેલા હવાઈ સંસાધનોને ચલાવવાની કે વાપરવાની મનાઈ ફરમાવવામાં આવી છે:

  • ડ્રોન (DRONE)
  • ક્વાડ કોપ્ટર (QUADCOPTER)
  • પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT)
  • માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT)
  • હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER)
  • પેરા મોટર (PARA MOTOR)
  • હોટ એર બલૂન્સ (HOT AIR BALLOONS)
  • પેરા જમ્પીંગ (PARA JUMPING)

આ પ્રતિબંધ તા. ૨૯/૧૦/૨૦૨૫ના કલાક ૦૦:૦૦ થી શરૂ થઈને તા. ૩૧/૧૦/૨૦૨૫ના કલાક ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે.

અપવાદ અને શિક્ષાની જોગવાઈ

આ જાહેરનામામાંથી માત્ર પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા માટે મુક્તિ આપવામાં આવી છે.

આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ફરજ બજાવતા અ.હે.કો. (આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ) તથા તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

જાહેરનામાની પ્રસિદ્ધિ

જાહેર જનતાની જાણકારી માટે આ હુકમની પ્રસિદ્ધિ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર મારફતે કરવામાં આવશે. તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, મદદનીશ પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર કચેરીના નોટિસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોંટાડીને પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર દ્વારા આ હુકમ આજ તારીખ, ૨૮/૧૦/૨૦૨૫ના રોજ સહી અને સિક્કો કરીને આપવામાં આવ્યો છે.

 

દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )