
ભાઈબીજે રાજકોટમાં મહિલાઓ માટે સિટી-BRTS બસ સેવા નિ:શુલ્ક
ભાઈબીજની ભેટ: રાજકોટમાં મહિલાઓ માટે સિટી અને BRTS બસ સેવા નિ:શુલ્ક
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરની બહેનોને એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મનપા હસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા સંચાલિત સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. ૨૩ ગુરુવારના રોજ મહિલાઓ માટે મુસાફરી નિ:શુલ્ક રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા જણાવાયું છે કે ભાઈબીજના શુભ દિવસે બહેનો કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકશે, જેથી તેઓ સરળતાથી ભાઈના ઘરે જઈ શકે અને તહેવારની ઉજવણી કરી શકે. જોકે, પુરુષ મુસાફરોએ રાબેતા મુજબ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
આ જાહેરાત અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓએ બહેનોને આ વિશેષ ભેટનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. મહાપાલિકાના આ નિર્ણયથી બહેનોને ભાઈબીજના દિવસે શહેરભરમાં અવરજવર કરવામાં મોટી રાહત મળશે અને તહેવારનો ઉમંગ બેવડાશે.
