
વડોદરા હરિનગર: ચાઇનીઝ લારી કારીગર પર હુમલો, ગંભીર ઇજા
વડોદરા હરિનગર : ચાઇનીઝ તીખું કહી કારીગર પર પાઇપ-છરાથી હુમલો
વડોદરા હરિનગર : શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ગત મોડી રાત્રે હરિનગર બ્રિજ પાસે હુમલાની ઘટના બની. હરિનગર બ્રિજ પાણીની ટાંકી નજીક ચાઇનીઝ લારીના કારીગરને ઢોર માર મારવામાં આવ્યો. હુમલામાં કારીગરને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે. આરોપીઓએ છરા, પાઇપ અને બ્લોક વડે હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત કારીગરના ભાઈ વિપુલ જોગડિયાએ આ ઘટના અંગે માહિતી આપી. તેમના ભાઈ રાજેશભાઈ ચાઇનીઝની લારી પર કારીગર છે. બાજુમાં આવેલી પાઉંભાજીની લારીના માલિકનો છોકરો બાઇક લઈ ગયો હતો. આ બાબતે બબાલ થઈ હતી. પાઉંભાજી ધારકે કેટલાક લોકોને બોલાવ્યા હતા.
આ લોકો નશાની હાલતમાં આવ્યા હતા. તેમણે પહેલા ચાઇનીઝ બનાવડાવ્યું. એક-બે ચમચી ખાઈને ચાઈનીઝ તીખું હોવાનું કહી બબાલ શરૂ કરી. ત્યારબાદ પાઈપના ફટકા, છરા અને બ્લોક વડે રાજેશભાઈને માર માર્યો. વિપુલભાઈએ જણાવ્યું કે તેમના ભાઈના માથામાં ઈજા થઈ છે. છરાથી બચવા જતા આંગળીઓ કપાઈ ગઈ છે.
હુમલાખોરો બ્લોક અને છરો લઈને મરવાના ઇરાદે આવ્યા હતા. રાજેશભાઈનો કોઈ વાંક નહોતો. પહેલા પાંચ લોકો અને પછી બીજા ત્રણ લોકો હુમલામાં જોડાયા હતા. આ બનાવ સમયે લારી માલિક સુરેશભાઈ હાજર નહોતા. અકોટા પોલીસ મથકના PI ડી.વી. બળદાણીયાએ જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કરનાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
