
બજેટ ૨૦૨૬: વડોદરા VCCI એ આવકાર્યું, મધ્યમ વર્ગ નિરાશ
બજેટ ૨૦૨૬: વડોદરાના ઉદ્યોગપતિઓ ખુશ, યુવાઓએ ગણાવ્યું મધ્યમ
બજેટ ૨૦૨૬ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ ૨૦૨૬ માં આંકડાઓની એવી ફેંકમફેંક કરી છે કે સામાન્ય માણસ ચક્કર ખાઈ જાય. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) ના હોદ્દેદારો ભલે સરકારના ગુણગાન ગાતા થાકતા નથી, પણ વાસ્તવમાં આ બજેટ મધ્યમ અને ગરીબ વર્ગની આશાઓ પર ફરી વળેલું પાણી છે. VCCI ના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે બજેટને ‘કર્તવ્ય ભાવ’ સાથે સરખાવ્યું, પણ શું સામાન્ય નાગરિકના ટેક્સના પૈસાનો સદુપયોગ તેનું કર્તવ્ય નથી?
MSME માટે ૧૦ હજાર કરોડ અને નાના ઉદ્યોગો માટે ૨ હજાર કરોડની જાહેરાત તો કરી દેવાઈ છે, પણ શું બેંકો પાસેથી લોન લેવાની જટિલ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયો છે? નાના શહેરોના વિકાસ માટે ૫ વર્ષમાં ૫ હજાર કરોડની ફાળવણી ઊંટના મોઢામાં જીરું સમાન છે. જે વડોદરા જેવા શહેરો સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે, ત્યાં આટલી નજીવી રકમ શું કામ લાગશે?
બજેટનું સૌથી મોટું આકર્ષણ બાયોફાર્મા અને સેમીકન્ડક્ટર છે. આ તે ક્ષેત્રો છે જ્યાં માત્ર મોટા ઉદ્યોગપતિઓનું જ વર્ચસ્વ છે. જ્યારે સામાન્ય માણસની સૌથી મોટી ચિંતા ઇનકમ ટેક્સની હતી, ત્યારે સરકારે લોલીપોપ આપી છે કે તેઓ આવક વધારવા પર ધ્યાન આપી રહ્યા છે. ટેક્સની લિમિટ ન વધારવી એ સીધી રીતે જ મધ્યમ વર્ગના ખિસ્સા પર તરાપ મારવા સમાન છે.
યુવાઓના નામે AI અને સ્પોર્ટ્સને પ્રમોટ કરવાની વાતો તો સુંદર લાગે છે, પણ શું આનાથી બેરોજગારી દૂર થશે? યુવા ખુશી શાહે આ બજેટને મધ્યમ સ્તરનું ગણાવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે યુવા પેઢીમાં કોઈ ખાસ ઉત્સાહ નથી. સ્ત્રીઓ માટે ૧૫,૦૦૦ ગર્લ્સ હોસ્ટેલની યોજના પણ વહીવટી તંત્રની ગતિ જોતા સ્વપ્ન જેવી લાગે છે. સરકાર ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ ના સપના બતાવે છે, પણ વાસ્તવમાં વેપારીઓએ આજે પણ અનેક ઓફિસોના ધક્કા ખાવા પડે છે. દૈનિક પલ્સ સમાચાર પૂછે છે—ક્યાં સુધી જનતાને આંકડાઓની જાળમાં ફસાવીને આર્થિક મજબૂતીનું નાટક ચાલશે? શું ઉદ્યોગપતિઓના સંગઠનો જનતાના સાચા અવાજને દબાવવાનું કામ કરી રહ્યા છે? આ બજેટ આત્મનિર્ભર ભારત માટે છે કે પછી કોર્પોરેટ મિત્રોને નિર્ભર બનાવવા માટે?
