ખેડૂત આક્રોશ યાત્રા: બોટાદમાં જબરજસ્ત આવકાર, નારાજગી

ખેડૂત આક્રોશ યાત્રા: બોટાદમાં જબરજસ્ત આવકાર, નારાજગી

ખેડૂત આક્રોશ યાત્રાનો સૂર: “ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો, નહીંતર ભાજપ સાફ”

બોટાદ/રાજકોટ: કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રાને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં જબરજસ્ત આવકાર મળી રહ્યો છે.

ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર બાદ આ યાત્રા આવતીકાલે મંગળવારે રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરશે, જ્યાં કોંગ્રેસ દ્વારા જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોટાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિત પ્રદેશના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ ટ્રેક્ટરો સાથે વિવિધ સ્થળોએ પહોંચી ખેડૂતોની મુશ્કેલીઓ જાણી હતી.

યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, વીઘા દીઠ ₹૧૫,૦૦૦નો ખર્ચ થતો હોવા છતાં સરકારે માત્ર ₹૩,૦૦૦ની નજીવી સહાય જાહેર કરી છે, જે બે થેલી ખાતર જેટલી પણ નથી. ખેડૂતોએ એક જ સૂરમાં માંગ કરી છે કે, “ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો નહીંતર આગામી ચૂંટણીમાં ભાજપ સાફ”.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ આ યાત્રા ચાલી રહી છે, જેમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી દેસાઈ, ખેડૂત નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓ મુખ્ય જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે ‘ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’, પરંતુ સરકારી નીતિઓના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં ૪ ખેડૂતોએ આપઘાત કર્યો છે. આ યાત્રા ગુરૂવારે દ્વારકા ખાતે સમાપ્ત થશે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )