હિંમતનગરમાં મહિલા દિવસ નિમિત્તે ‘અસ્મિતા’ લીગનું આયોજન

હિંમતનગરમાં મહિલા દિવસ નિમિત્તે ‘અસ્મિતા’ લીગનું આયોજન

હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે 8મી માર્ચે મહિલાઓ માટે ‘અસ્મિતા’ લીગ રમત-ગમત મહોત્સવનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 8મી માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી અનોખી રીતે રમત-ગમત દ્વારા કરવામાં આવશે. ભારત સરકારના યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલયની સીધી સૂચનાનુસાર, માય ભારત (સાબરકાંઠા-અરવલ્લી) અને ભારતીય ખેલ સત્તામંડળ (SAI) ના સંયુક્ત ઉપક્રમે ‘અસ્મિતા’ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સવારે 8:00 કલાકે યોજાશે.

આ રમતગમત મહોત્સવનું માળખું ત્રણ મુખ્ય વયજૂથોમાં વહેંચાયેલું છે. જેમાં અન્ડર-13, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરની મહિલાઓ ભાગ લઈ શકશે. દરેક કેટેગરીમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડની સ્પર્ધાઓ રાખવામાં આવી છે. રમત-ગમતની સાથે મનોરંજન અને શારીરિક ક્ષમતાના પ્રદર્શન માટે ‘રસ્સા ખેંચ’ ની સ્પર્ધા પણ વિશેષ આકર્ષણ રહેશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમને એક મંચ પૂરું પાડવાનો છે.

આ આયોજનમાં અંદાજે 500 થી વધુ મહિલા ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા છે. સ્પર્ધાના અંતે વિજેતા બહેનોને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ડી. ઝાલાના હસ્તે ઈનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. જિલ્લા યુવા અધિકારીશ્રીની અખબારી યાદી મુજબ, રજીસ્ટ્રેશન માટે બે માધ્યમો ઉપલબ્ધ છે. ઈચ્છુક બહેનો ‘માય ભારત’ પોર્ટલ (https://mybharat.gov.in) પર અથવા ખેલો ઈન્ડિયાના NSRS પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે બહેનો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકી ન હોય, તેમના માટે સ્પર્ધાના દિવસે એટલે કે 8મી માર્ચે સવારે 07:00 કલાકે સ્થળ પર જ રૂબરૂ નોંધણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ આયોજન મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાની તમામ ખેલપ્રેમી બહેનોને આ સ્પર્ધામાં ભાગ લેવા અને મહિલા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )