વાઘોડિયા ભાજપમાં ભડકો: સંગઠનની નિમણૂકો મુદ્દે કાર્યકરોમાં રોષ

વાઘોડિયા ભાજપમાં ભડકો: સંગઠનની નિમણૂકો મુદ્દે કાર્યકરોમાં રોષ

વાઘોડિયા ભાજપમાં સંગઠનાત્મક નિમણૂકો મુદ્દે જૂના કાર્યકરોમાં ભારે અસંતોષ

વડોદરા જિલ્લાના વાઘોડિયા ભાજપ સંગઠનમાં ભભૂકી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની જાહેરાત પૂર્વે જિલ્લા સંગઠનમાં કરવામાં આવેલી નવી નિમણૂકોએ વાઘોડિયા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જી છે. વાઘોડિયાના જૂના અને વફાદાર કાર્યકરોને એવું લાગી રહ્યું છે કે સંગઠને તેમની અવગણના કરીને બહારના અથવા શહેરમાં રહેતા લોકોને હોદ્દાઓ લ્હાણી કરી છે.

આ વિવાદના મૂળમાં માત્ર હોદ્દાની ફાળવણી જ નથી, પરંતુ તાજેતરમાં થયેલા તાલુકા અને જિલ્લા પંચાયતના સીમાંકનનો મુદ્દો પણ છે. સિનિયર કાર્યકરોનો આક્ષેપ છે કે સીમાંકન પ્રક્રિયામાં ચોક્કસ વર્ગને અન્યાય કરવામાં આવ્યો છે અને સીટોની ફાળવણીમાં ‘સોદાબાજી’ થઈ છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન મળતા કાર્યકરોમાં હતાશા અને રોષ વ્યાપ્યો છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે સોમવારે વાઘોડિયા ભાજપના ‘જૂના જોગીઓ’ની એક ગુપ્ત બેઠક અજ્ઞાત સ્થળે યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ કાર્યકરો બે રીતે પક્ષને પાઠ ભણાવવાનું વિચારી રહ્યા છે: કાં તો પક્ષમાં રહીને જ ભીતરઘાત કરવો અથવા તો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવો. “ઘર ફૂટે ઘર જાય” તેવો ઘાટ વાઘોડિયામાં સર્જાઈ રહ્યો હોય તેમ જણાય છે.

બીજી તરફ, વાઘોડિયામાં વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારોનો અભાવ હોવાથી નારાજ ભાજપી કાર્યકરો કોઈ નવી રાજકીય પાર્ટીને વાઘોડિયામાં પ્રવેશ અપાવવાની પેરવી કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. હાલમાં ભાજપના કાર્યકરો સીધો વિરોધ કરવાને બદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. ભલે અત્યારે કોઈ કાર્યકર ખુલીને સામે નથી આવી રહ્યો, પરંતુ આ પ્રકારે છવાયેલી ચુપકીદી ચૂંટણી સમયે મોટા રાજકીય તોફાનના એંધાણ આપી રહી છે. જો પક્ષનું મોવડી મંડળ સમયસર આ આંતરિક વિખવાદને નહીં ઉકેલે, તો વાઘોડિયા ભાજપનો આ ગઢ આંતરિક કકળાટને કારણે જોખમમાં મુકાઈ શકે છે. વિરોધીઓ હાલ ભાજપની આ સ્થિતિ જોઈ ગેલમાં આવી ગયા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )