
અમરેલીમાં દિવાળીની મંદી: કાપડ બજાર સુમસાન, વેચાણ ગત વર્ષના 10% પણ નહીં
અમરેલીના બજારોમાં દિવાળીની ચમક ગુમ: ખરીદી ન થતાં વેપારીઓ મુશ્કેલીમાં
અમરેલી: અમરેલી જિલ્લાના વેપારી વર્ગ માટે આ વર્ષની દિવાળીની સીઝન ચિંતાજનક સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન સાવરકુંડલા, અમરેલી, લાઠી, બગસરા અને લિલિયા જેવા વિસ્તારોના બજારોમાં જે ઉત્સાહભરી ચહલપહલ અને ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે, તે આ વર્ષે સંપૂર્ણપણે ગેરહાજર છે. બજારોમાં મંદીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળી રહ્યો છે અને દિવાળી હોવા છતાં ખરીદી મોભે લાગી છે.
ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં કાપડ બજાર અને રેડીમેડ કપડાંની દુકાનો સુમસાન જોવા મળી રહી છે. વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે દિવાળીના મુખ્ય તહેવારો નજીક હોવા છતાં ગ્રાહકોની ભીડ જામી નથી.
સાવરકુંડલામાં છેલ્લા પાંચ વર્ષથી રેડીમેડ શોપ ધરાવતા શાહિદ બાગવાણીએ જણાવ્યું કે, “ગત વર્ષની સરખામણીએ આ સીઝનમાં અમારું 10% જેટલું પણ વેચાણ થયું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગયા વર્ષે દિવાળીના 15 દિવસ પહેલા જ દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હતી, પરંતુ આ સીઝનમાં ગ્રાહકોને બદલે ફક્ત વેપારીઓ જ દુકાનમાં જોવા મળે છે.
વર્તમાન પરિસ્થિતિ જોતા વેપારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જો આ જ માહોલ ચાલુ રહેશે તો ચાલુ સીઝન ખૂબ જ નબળી જવાની શક્યતા છે.
