સાવરકુંડલામાં ભવ્ય યુનિટી માર્ચ: સરદાર ચોક બનશે

સાવરકુંડલામાં ભવ્ય યુનિટી માર્ચ: સરદાર ચોક બનશે

સાવરકુંડલા: સરદાર@૧૫૦ યુનિટી માર્ચ, સરદાર ચોકની જાહેરાત

અમરેલી: ભારતવર્ષના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન વર્ષ નિમિત્તે આજે સાવરકુંડલા શહેર ‘જય સરદાર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’માં હજારોની જનમેદની ઉમટી પડી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિ સરદાર પટેલ સોસાયટી વાડી ખાતેથી પ્રસ્થાન થયેલી આ એકતા યાત્રામાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ખાસ જોડાયા હતા. આ ઉપરાંત, વિવિધ ધર્મના સાધુ-સંતોએ પણ યાત્રામાં જોડાઈને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ધારાસભ્યની ઐતિહાસિક જાહેરાત આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “આઝાદીના ૭૫ વર્ષ પછી પણ સાવરકુંડલામાં સરદાર સાહેબની પ્રતિમા ન હોવી એ આપણી કમનસીબી છે.” તેમણે ત્વરિત જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ કે.કે. હાઈસ્કૂલ અને મહિલા કોલેજ પાસેના વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને તે સ્થળને ‘સરદાર ચોક’ નામ આપવામાં આવશે. આ જાહેરાતથી ઉપસ્થિત જનમેદનીમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

યાત્રાનો માર્ગ હાથમાં તિરંગા સાથે નીકળેલો પદયાત્રાનો કાફલો ગોપાલદાસ બાપુની ઝૂંપડી, પોલીસ સ્ટેશન અને જૈન બોર્ડિંગ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. સમગ્ર રસ્તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નારા ગુંજ્યા હતા. અંતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંતોના આશીર્વચન સાથે યાત્રાનું સમાપન થયું હતું. સાંસદ અને ધારાસભ્યએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં જોડાવા હાકલ કરી હતી.

રીપોર્ટર – સમીર ખોખર, અમરેલી

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )