
ઝૂજારપુર માં ચારિયા પરિવારનું ભવ્ય સ્નેહમિલન યોજાયું
ઝૂજારપુર: ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ચારિયા પરિવારનું મિલન
ચારિયા પરિવારનું દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ ઝૂજારપુર ખાતે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાંથી ચારિયા પરિવારો એકત્રિત થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ માતાજીના હવન અને નૈવેધ સાથે ધાર્મિક વાતાવરણમાં થયો હતો. ત્યારબાદ કમ્યુનિટી હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.
આ વર્ષે કાર્યક્રમની થીમ “પરિશ્રમ, પ્રતિભા અને પ્રગતિ” રાખવામાં આવી હતી. જેમાં સમાજના 65થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં, પ્રાથમિક શાળામાં સરકારી નોકરી મેળવનાર સમાજની બે ગૌરવવંતી દીકરીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંગીતની સુરાવલીઓ વચ્ચે વિજયાબેન ભાદરકા, કિશન પરમાર અને શ્યામ મ્યુઝિકલ ગ્રુપે ઉપસ્થિત સૌને ગરબાના તાલે ઝુમાવ્યા હતા.
કાર્યક્રમમાં ઝૂજારપુરના સરપંચ રમેશભાઈ સેવરા, ખેરાના સરપંચ કરશનભાઈ વાસણ અને તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના વડીલ અરજણભાઈ અને પ્રમુખ મેરામણભાઈ ચારિયાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું. અંતે, કુકસવાડા ગામના યુવાનો અને વડીલો દ્વારા તૈયાર કરાયેલ મહાપ્રસાદ સૌએ સાથે મળીને ગ્રહણ કર્યો હતો. (અહેવાલ: હર્ષ ભરડા, કેશોદ)
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
