
વડોદરા પાલિકા : ડ્રેનેજ મુદ્દે પાલિકા ફેલ, પશ્ચિમ ઝોન ફરિયાદોમાં મોખરે
વડોદરા પાલિકા માં એક વર્ષમાં ૧.૩૯ લાખ ફરિયાદો: ડ્રેનેજ સમસ્યામાં પશ્ચિમ ઝોન મોખરે.
વડોદરા મહાનગરપાલિકાનું ‘સ્માર્ટ’ મહોરું હવે ઉતરી ગયું છે. ૨૦૨૫ ના આખા વર્ષ દરમિયાન શહેરના નાગરિકોએ પાયાની સુવિધાઓ માટે કરેલી ૧.૩૯ લાખ ફરિયાદો પાલિકાની નિષ્ફળતાનો જીવતો જાગતો દસ્તાવેજ છે. તંત્ર ભલે ટોલ-ફ્રી નંબર, વેબસાઈટ અને વોટ્સએપના માધ્યમથી ફરિયાદ નિવારણના બણગા ફૂંકતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે વડોદરાવાસીઓ આજે પણ ગટર, પાણી અને રસ્તા જેવી બેઝિક જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે.
આંકડાકીય વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે, સૌથી વધુ ફરિયાદો પશ્ચિમ ઝોનમાં નોંધાઈ છે, જે આ વિસ્તારમાં થઈ રહેલા અસ્તવ્યસ્ત વિકાસ અને જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલે છે. કેટેગરી મુજબ જોતા, ડ્રેનેજ અને વરસાદી ગટરની સમસ્યાઓ દાયકાઓથી વડોદરાનો પીછો છોડતી નથી. વરસાદી ગટરોના ગંદા પાણી અને ડ્રેનેજ ચોકઅપની સમસ્યાએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. વોર્ડ નંબર ૫ ફરિયાદોનું એપીસેન્ટર બન્યું છે, જે સાબિત કરે છે કે ત્યાંના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે કોઈ સંકલન નથી.
મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ દ્વારા અઠવાડિક રિવ્યુ કરવાની વાતો તો થાય છે, પરંતુ જો ખરેખર ફરિયાદનો સમય મર્યાદામાં નિકાલ થતો હોય, તો ફરિયાદોનું લિસ્ટ ઘટવાને બદલે સતત વધતું કેમ જાય છે? ઈ-વેસ્ટ અને રખડતા ઢોર જેવી નવી કેટેગરીઓ ઉમેરવામાં આવી છે, પરંતુ જૂના પ્રશ્નો જ ઉકેલાયા નથી ત્યાં નવા પ્રશ્નો માત્ર આંકડા વધારવાનું કામ કરી રહ્યા છે. સીટીઝન ચાર્ટર મુજબના સમયમાં કામ ન થવું એ નાગરિકો સાથેનો એક પ્રકારનો દગો છે.
બીજી તરફ, વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત ફરિયાદો ઓછી હોવાનો યશ પોતાના ‘સંવાદ’ ને આપે છે, પણ સવાલ એ છે કે શું બાકીના વોર્ડના કોર્પોરેટરો માત્ર એસી કેબિનમાં બેસવા માટે ચૂંટાયા છે? જો એક વોર્ડમાં સીધા સંપર્કથી ફરિયાદો ઘટી શકતી હોય, તો આખું વડોદરા કેમ નર્કાગાર બની રહ્યું છે? પાલિકાનું ફરિયાદ નિવારણ તંત્ર માત્ર SMS મોકલવા પૂરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગે છે. જનતાના પરસેવાના ટેક્સના નાણાં વસૂલતી પાલિકા ક્યારે ખરા અર્થમાં સેવાનું કામ કરશે તે જોવું રહ્યું. શું કમિશનર માત્ર આંકડાઓ જોઈને સંતોષ માનશે કે પછી જવાબદાર અધિકારીઓના ક્લાસ લેશે?
