ભરૂચ: જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થતા વિવાદ

ભરૂચ: જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થતા વિવાદ

ભરૂચ: જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થતા ગરમાયું રાજકારણ, ઐતિહાસિક વિવાદ ફરી સપાટી પર

ભરૂચ: દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી પુરાતત્વ વિભાગની સંરક્ષિત જામા મસ્જિદ અત્યારે ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની છે. ૩જી માર્ચના રોજ મસ્જિદ પરિસરમાં કેટલીક મહિલાઓ દ્વારા કરાયેલી પૂજાનો વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ મસ્જિદના પ્રાંગણમાં પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી રહી છે. તેમની પાસે પૂજાની થાળી, શ્રીફળ અને અન્ય સામગ્રી પણ છે. આ ઘટનાની જાણ થતા જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ મસ્જિદ ખાતે એકત્રિત થયા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે ધાર્મિક સ્થળની પરંપરા વિરુદ્ધ આ કૃત્ય કરવામાં આવ્યું છે અને તે ધાર્મિક લાગણી દુભાવનારો કિસ્સો છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે આવા કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ, સંત સમાજ અને સ્થાનિક હિન્દુ-જૈન સંગઠનો આ સ્થળને “સમળી વિહાર” જૈન મંદિર તરીકે ઓળખાવે છે. તેમનો દાવો છે કે આ મસ્જિદ અસલમાં ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેમના લાખો અનુયાયીઓ છે. સંત સમિતિ દ્વારા અગાઉ પણ આ સ્થળના કબજા અને સંરક્ષણ માટે આંદોલનો અને ઉપવાસ કરવામાં આવ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ સ્થળ પુરાતત્વ વિભાગ હેઠળ હોવા છતાં તેનો ઉપયોગ એક ચોક્કસ સમુદાય દ્વારા જ કરવામાં આવે છે.

આ ઘટનાને પગલે ભરૂચમાં લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને સમુદાયો વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસ પ્રશાસન સતર્ક છે. પુરાતત્વ વિભાગના નિયમો મુજબ સંરક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારની નવી ધાર્મિક ક્રિયાઓ પર પ્રતિબંધ હોય છે, ત્યારે આ મહિલાઓ અંદર કેવી રીતે પહોંચી અને પૂજા કરી તે તપાસનો વિષય બન્યો છે. હાલમાં શહેરમાં શાંતિ છે, પરંતુ અંદરખાને આ મુદ્દે ભારે રોષ અને વિવાદની સ્થિતિ પ્રવર્તી રહી છે. પ્રશાસન દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )