વડોદરા : હળદરની ખેતી અને મૂલ્યવર્ધનથી ખેડૂત બન્યા આત્મનિર્ભર

વડોદરા : હળદરની ખેતી અને મૂલ્યવર્ધનથી ખેડૂત બન્યા આત્મનિર્ભર

વડોદરા : ખેતીમાં મૂલ્યવર્ધનનો મંત્ર અપનાવી સાકરદાના હિતેશભાઈ પટેલે ઊભી કરી સફળતાની મિસાલ

વડોદરા જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. ખેડૂતો હવે માત્ર પાક પકવવા પૂરતા સીમિત ન રહેતા, પ્રોસેસિંગ અને માર્કેટિંગ દ્વારા પોતાની ઉપજના વધુ ભાવ મેળવતા થયા છે. વડોદરાના છાણીના મૂળ વતની અને સાકરદામાં ખેતી કરતા હિતેશભાઈ પટેલ આધુનિક “સ્માર્ટ ખેડૂત” નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

હિતેશભાઈ કુલ 25 વિંઘા જમીનમાં વિવિધ બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળ, હળદર અને બટાકાની ખેતી કરે છે. તેમની સફળતા પાછળનું મુખ્ય કારણ ‘મૂલ્યવર્ધન’ છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ 10 વિંઘામાં હળદર વાવે છે. સામાન્ય રીતે ખેડૂતો કાચી હળદર વેચી દેતા હોય છે, પરંતુ હિતેશભાઈએ બાગાયત ખાતાની સહાયનો લાભ લીધો. તેમણે ISO/BIS પ્રમાણિત હળદર બોઇલર પ્રોસેસિંગ મશીન ખરીદ્યું, જેમાં તેમને રાજ્ય સરકાર તરફથી 50 ટકા સબસીડી પ્રાપ્ત થઈ છે. આ મશીનની મદદથી તેઓ હળદરને વૈજ્ઞાનિક ઢબે ઉકાળી, સુકવીને શુદ્ધ હળદર પાવડર તૈયાર કરે છે. આ પ્રોસેસિંગને કારણે તેઓ હળદરના પાકમાંથી પ્રતિ વિંઘા ₹50 થી 60 હજારનો ચોખ્ખો નફો મેળવે છે.

બટાકાની ખેતીમાં પણ તેઓ સ્માર્ટ અભિગમ ધરાવે છે. પ્રતિ વિંઘા 200 થી 250 મણ ઉત્પાદન મેળવ્યા બાદ, જો બજારમાં યોગ્ય ભાવ ન હોય તો તેઓ પાકને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરે છે અને જ્યારે સારા ભાવ મળે ત્યારે જ તેનું વેચાણ કરે છે. હિતેશભાઈ જણાવે છે કે, “સરકારની ટેકનોલોજી અને સબસીડી ખેડૂતો માટે પથદર્શક છે, પરંતુ તેની સાથે જૈવિક ખેતી પણ અનિવાર્ય છે.” તેઓ ખેતરમાં રાસાયણિક ખાતરના બદલે છાણિયું અને દિવેલીયું ખાતર વાપરે છે, જે જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે.

આજે હિતેશભાઈ હળદરના મસાલા બજારમાં પોતાની બ્રાન્ડ ઈમેજ ઉભી કરી ચૂક્યા છે. તેમની આ સફર બાગાયત ક્ષેત્રે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવાનો માટે માર્ગદર્શક બની રહી છે. જો તમે પણ હિતેશભાઈના અનુભવ વિશે વધુ જાણવા માંગતા હોવ, તો તેમનો સંપર્ક (મો. 99741-83620) કરી શકો છો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )