
કાલાવડ રોડ પર સંકલ્પસિધ્ધ હનુમાનજીને ભવ્ય ‘સ્વર્ણિમ શણગાર’
ધનતેરસ નિમિત્તે કાલાવડ રોડના સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે સ્વર્ણિમ શણગાર: ભક્તોના ઉમંગમાં વધારો
રાજકોટ: દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત ધનતેરસથી થઈ ચૂકી છે, ત્યારે ભક્તિમય માહોલમાં કાલાવડ રોડ પર આવેલા શ્રી સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિર આજે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધનતેરસના શુભ દિવસે હનુમાનજી મહારાજને અતિ ભવ્ય સ્વર્ણિમ શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા.
દાદાએ સોનેરી રંગના ઝગમગતા વસ્ત્રો ધારણ કર્યા છે, કાંધ પર પીતાંબર અને માથે સુંદર રીતે સુશોભિત સાફો વિરાજે છે, જેમાં આભૂષણોની ઝળહળાટ છવાયેલી છે. ગળામાં સુંદર હાર, કાનમાં કુંડળ અને છાતી પરના અલંકારો દાદાની તેજસ્વી પ્રતિમાને વધુ દિવ્યતા અર્પે છે. મંદિરનું સુવર્ણ કારીગરીવાળું મંડપ દાદાની આસપાસ રાજસી છટા પાથરી રહ્યું હતું, જ્યારે આસપાસ ગોઠવાયેલા ગુલાબી કમળના હાર શણગારને મનોહર બનાવી રહ્યા હતા.
વહેલી સવારથી જ દાદાના આ અલૌકિક રાજસી સ્વર્ણિમ સ્વરૂપના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ધનતેરસના આ પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ મેળવીને અનેરો આનંદ અને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં આ દિવ્ય શણગારના કારણે ઉત્સવ જેવો માહોલ છવાયો હતો.
