
નર્મદા ઘાટ પર ભેખડ ધસતાં 3 મજૂરો જીવ ગુમાવ્યા
ગરુડેશ્વર નર્મદા ઘાટ પર મોટી દુર્ઘટના: ભેખડ ધસતા 3 સ્થાનિક શ્રમિકોના કરુણ મોત; કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
નર્મદા/ગરુડેશ્વર: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટના ચાલી રહેલા નવીનીકરણની કામગીરી દરમિયાન એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભેખડ ધસી પડવાના કારણે ત્રણ સ્થાનિક શ્રમિકોના કરુણ મૃત્યુ થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ઘાટ પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. આ દરમિયાન હાલમાં પડેલા વરસાદને કારણે જમીન પોચી પડતાં અચાનક ભેખડ ધસી પડી હતી, જેનાથી એકટેશ્વર ગામના ત્રણ શ્રમિકો દીવાલમાં દટાઈ ગયા હતા.
મૃતકોની ઓળખ રોહિત રણછોડ તડવી (ઉંમર 45), દીપક ભાણા તડવી (ઉંમર 40) અને શૈલેષ કનુ તડવી (ઉંમર 37) તરીકે થઈ છે. ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ બે કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
આ ઘટના બાદ એકટેશ્વર ગામના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સુરક્ષાના ધારાધોરણોનું પાલન ન કરનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી હતી. લોકો માની રહ્યા છે કે જો વરસાદ બંધ થયા બાદ કામગીરી શરૂ કરાઈ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને કોન્ટ્રાક્ટ અને કામગીરીમાં સુરક્ષાના પાસાઓની તપાસ શરૂ કરી છે.
