
સાવરકુંડલા: ગાધકડામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન
સાવરકુંડલા તાલુકાના ગાધકડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભારે માવઠું થતાં ખેતરોમાં ઉભેલો મગફળી, કપાસ અને શાકભાજીનો તૈયાર પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બનતા ખેડૂતો પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખરીફ સિઝનના પાક પર મોંઘા બિયારણ, ખાતર અને દવાઓનો મોટો ખર્ચ કર્યા બાદ અંતિમ તબક્કે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. ખેડૂતો હવે બેંકો અને સહકારી મંડળીઓની લોનના હપ્તા કેવી રીતે ભરવા તેની ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ખેતી સિવાય આવકનું અન્ય કોઈ સાધન ન હોવાથી અનેક ખેડૂત પરિવારોની હાલત દયનીય બની છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત આગેવાન હાર્દિક ચંદારાણાએ રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે, તંત્ર દ્વારા ગાધકડા પંથકમાં યુદ્ધના ધોરણે પાક નુકસાનનો પારદર્શી સર્વે કરવામાં આવે. તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમા યોજના અને ઇનપુટ સહાય યોજના હેઠળ વહેલી તકે પૂરતું વળતર ચૂકવવામાં આવે. જગતના તાતને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકારી સહાય એક માત્ર આશાનું કિરણ છે.
રિપોર્ટ: હાર્દિક ચંદારાણા
