સાળંગપુરમાં હનુમાનજીને ૧ કિલો સોનાનો મુગટ

સાળંગપુરમાં હનુમાનજીને ૧ કિલો સોનાનો મુગટ

સાળંગપુરમાં કાળી ચૌદશે હનુમાનજી દાદાને ૧ કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ

 

સાળંગપુર (બોટાદ): બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાદાના વિશેષ પૂજન અને દર્શનનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા.

આ પાવન અવસરે હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વાળા ‘રામ’ લખેલા વિશેષ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર દાદાનો રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ રહ્યો હતો. ૧ કિલો શુદ્ધ સોનામાંથી બનેલા અને ૩૫૦ કેરેટ લેબ્રોન ડાયમંડ જડતરમાં ધરાવતા આ મુગટના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે ૧૨:૦૦ કલાકે ભક્તોએ છપ્પનભોગ અન્નકૂટ આરતીનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત, બપોરે વિશાળ સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં હજારો યજમાનોએ આહુતિ આપી હતી. સાંજે ૪:૦૦ કલાકે ચોપડા પૂજન પણ યોજાયું હતું.

મંદિર સંતમંડળ અને પાર્ષદમંડળ દ્વારા ભક્તો માટે રહેવા, જમવા અને પાર્કિંગ સહિતની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પૂરી, મોહનથાળ સહિતના મહાપ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે હજારો ભક્તોએ યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી મહોત્સવનો લ્હાવો લીધો હતો.

અહેવાલ – હાર્દિક ચંદારાણા

દૈનિક પલના તમામ સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )